12 July, 2025 10:43 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
તસવીર : જનક પટેલ
અમદાવાદના અસારવા વિસ્તારમાંથી ગઈ કાલે રાજ્ય સરકારની વિનામૂલ્ય યોજના હેઠળનાં સ્કૂલોના અભ્યાસનાં પુસ્તકો ટ્રકમાં પસ્તીમાં લઈ જવાતાં હતાં ત્યારે કૉન્ગ્રેસના કાર્યકરોએ અને સ્થાનિક લોકોએ પકડ્યાં હતાં. પાંચમા અને આઠમા ધોરણના વિવિધ વિષયોનાં આ પુસ્તકો હતાં. પસ્તીમાં જતાં પુસ્તકો પકડાયાં હોવાના મુદ્દે પાઠ્યપુસ્તક મંડળે તપાસનો આદેશ આપ્યો છે.
ગુજરાત પ્રદેશ કૉન્ગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ આક્ષેપ કરતાં કહ્યું હતું કે ‘રાજ્ય સરકારની બાળકોને ફ્રીમાં પુસ્તકો આપવાની યોજના છે. આ યોજના હેઠળ ગરીબ બાળકોના અભ્યાસ માટે પુસ્તકો તેમની સ્કૂલ-બૅગમાં જવાને બદલે પસ્તીમાં જઈ રહ્યાં છે. અસારવા વિસ્તારના કૉન્ગ્રેસના ધીરેન્દ્ર પાંડે સહિતના કાર્યકર્તાઓએ ટ્રકમાં પસ્તીમાં લઈ જવાતાં પુસ્તકો પકડ્યાં હતાં. ટ્રકને ઊભી રખાવીને પૂછપરછ કરતાં ખબર પડી હતી કે આ પુસ્તકો પસ્તીમાં લઈ જવાતાં હતાં. પુસ્તકો સગેવગે કરવાનું આ કૌભાંડ છે. ગરીબ બાળકોના શિક્ષણના અધિકારીને છીનવવાનું આ પાપ છે.’