27 May, 2026 02:50 PM IST | Somnath | Gujarati Mid-day Correspondent
સોમનાથ મંદિર
ગુજરાતમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથના મંદિરમાં VIP અને સ્પેશ્યલ દર્શનના નામે શ્રદ્ધાળુઓ સાથે છેતરપિંડી કરવામાં આવી રહી હોવાનું સોમનાથ ટ્રસ્ટના ધ્યાનમાં આવતાં એણે યાત્રાળુઓને સાવચેત કર્યા છે. એટલું જ નહીં, ભ્રામક વેબસાઇટ્સને તાત્કાલિક બ્લૉક કરવા ગૂગલને રિપોર્ટ કરવા ઉપરાંત પોલીસ-ફરિયાદ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
સોમનાથ ટ્રસ્ટના જનરલ મૅનેજર વિજયસિંહ ચાવડાએ કહ્યું હતું કે ‘તાજેતરમાં યાત્રાધામ સોમનાથ ટ્રસ્ટના ધ્યાનમાં આવ્યું છે કે સોમનાથ મંદિરમાં VIP દર્શન કે સ્પેશ્યલ દર્શન કરાવવાની સેવા આપવાના બહાને યાત્રીઓ પાસેથી ગેરકાયદે રીતે પૈસા મગાવીને ઑનલાઇન ફ્રૉડ કરવામાં આવી રહ્યો છે. જોકે સોમનાથ મંદિરમાં કોઈ પણ પ્રકારે પૈસા લઈને VIP ટિકિટ કે પાસ દ્વારા VIP કે સ્પેશ્યલ દર્શન કરાવવાની કોઈ પણ વ્યવસ્થા કે પ્રથા અસ્તિત્વમાં જ નથી. ટ્રસ્ટ દ્વારા આવી ભ્રામક વેબસાઇટ્સને તાત્કાલિક બ્લૉક કરવા ગૂગલને સત્તાવાર રિપોર્ટ કરવામાં આવ્યો છે. એની સાથે આ ફ્રૉડ કરનારાઓ સામે પોલીસ-ફરિયાદ કરવાની કાર્યવાહી પણ હાથ ધરાઈ છે.’