વરસાદનાં પાણી ઓસર્યા બાદ સુરતમાંથી ૯૪.૬૭ મેટ્રિક ટન કચરો કાઢવામાં આવ્યો

26 June, 2025 09:39 AM IST  |  Surat | Gujarati Mid-day Correspondent

સુરતને ખૂબસૂરત બનાવવા ૧૯૬૨ સફાઈ-કામદારો કરી રહ્યા છે સફાઈકામ

સુરતમાં સફાઈકામ હાથ ધરીને દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો.

સુરતમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ અને ખાડીનાં પૂરને લીધે મુશ્કેલી સર્જાયા બાદ ગઈ કાલે સુરતના ઘણા બધા વિસ્તારોમાંથી પાણી ઓસરતાં મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા સફાઈ-અભિયાન હાથ ધરાયું હતું અને ૯૪.૬૭ મેટ્રિક ટન કચરો કાઢવામાં આવ્યો હતો. વરસાદે સુરતની સૂરત બગાડ્યા બાદ હવે સુરતને ખૂબસૂરત બનાવવા ૧૯૬૨ સફાઈ-કામદારોએ સફાઈકામ શરૂ કર્યું છે. ઘણા વિસ્તારમાં લોકોએ તેમનાં ઘરમાં અને ઘરની આસપાસ જાતે સફાઈકામ કર્યું હતું. જોકે હજી કેટલાક વિસ્તારમાં પાણી ભરાઈ રહેતાં લોકો પારાવાર મુશકેલીમાં મુકાઈ ગયા છે. 

પાણી ઓસરતાં આરોગ્ય વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે સફાઈ-ઝુંબેશ હાથ ધરાઈ છે જેમાં ૨૨૮ સુપરવાઇઝરોના મૉનિટરિંગમાં ૧૯૬૨ સફાઈ-કામદારો ૧૦ જેસીબી મશીન, ૨૭ ટ્રકો સાથે અસરગ્રસ્ત વિસ્તારોમાં સાફસફાઈ હાથ ધરીને ૯૪.૬૭ મેટ્રિક ટન ઘનકચરાનો નિકાલ કર્યો હતો. આ વિસ્તારોમાં ૫૦૩૮ કિલોગ્રામ જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. ફૂડ-પૅકેટ અને પાણીની બૉટલોનું તેમ જ ૧૩,૬૩૬ ક્લોરિન ટૅબ્લેટનું વિતરણ કરાયું હતું.

surat Gujarat Rains monsoon news news gujarat gujarat news