18 December, 2025 07:21 AM IST | Surat | Gujarati Mid-day Correspondent
પિતા વગરની દીકરીઓનાં લગ્ન ૨૦ અને ૨૧ ડિસેમ્બરે યોજાશે.
સુરતમાં એક માંડવા નીચે પિતા વગરની હિન્દુ, મુસ્લિમ અને ખ્રિસ્તી ધર્મની ૧૧૧ દીકરીઓનાં લગ્ન ૨૦ અને ૨૧ ડિસેમ્બરે યોજાશે. સુરતના પોપટભાઈ પ્રેમજીભાઈ (PP) સવાણી પરિવાર દ્વારા હૈયાના ઉમંગથી પોતાની દીકરીની જેમ જ કોયલડી થીમ સાથે આ તમામ દીકરીઓનો લગ્નપ્રસંગ બે દિવસ ઊજવાશે. એમાં માત્ર ગુજરાત જ નહીં, ભારતનાં ૪ રાજ્યોની ૧૦ દીકરીઓનાં લગ્ન પણ ઉમળકાભેર કરાવવામાં આવશે. PP સવાણી ગ્રુપના મહેશ સવાણીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પિતા વગરની દીકરીઓનાં લગ્ન ૨૦ અને ૨૧ ડિસેમ્બરે યોજાશે. ૨૦ ડિસેમ્બરે પંચાવન દીકરીઓનાં અને ૨૧ ડિસેમ્બરે ૫૬ દીકરીઓનાં લગ્ન યોજાશે. આ લગ્નમાં મહારાષ્ટ્રની પાંચ, ઉત્તર પ્રદેશની બે, રાજસ્થાનની બે તેમ જ બિહારની એક દીકરીનાં પણ લગ્ન યોજાશે. ૧૧૧ દીકરીઓનાં લગ્નમાં બે મુસ્લિમ ધર્મની, એક ખ્રિસ્તી ધર્મની અને બાકીની ૧૦૮ હિન્દુ ધર્મની દીકરીઓનાં લગ્ન થશે. આ લગ્નમાં અલગ-અલગ ૩૯ જ્ઞાતિઓની દીકરીઓનાં લગ્ન કરાવવામાં આવશે. દરેક ધર્મની દીકરીનાં લગ્ન તેમના ધર્મના રીતરિવાજ પ્રમાણે કરાવવામાં આવશે. એક માંડવે તમામ દીકરીઓનો લગ્નપ્રસંગ કરવામાં આવશે.’ મહેશ સવાણીએ કહ્યું હતું કે ‘૨૦૦૭થી અમે પિતા વગરની દીકરીઓનાં લગ્ન કરાવીએ છીએ. આ સાથે અત્યાર સુધીમાં કુલ ૫૫૩૯ દીકરીઓનાં લગ્ન કરાવ્યાં છે. દીકરીઓના લગ્નપ્રસંગમાં ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી તેમ જ કેન્દ્રીય અને ગુજરાતના પ્રધાનો, સંતો, મહાનુભાવો ઉપસ્થિત રહેશે અને નવદંપતીને આશીર્વાદ આપશે.’