✕

સુરતમાં BJPના નેતાના ઘરે પોલીસે પાડી રેઇડ, દારૂની ૬૪૫ બૉટલો મળી

26 November, 2026 11:04 AM IST  |  Surat | Gujarati Mid-day Correspondent

વૉર્ડ કક્ષાના નેતા વિજય મોદી અને તેના સાથીની કરી ધરપકડ, દીકરો ફરાર; ઘરમાંથી જ દારૂનો કરતા હતા ધંધો.

વિજય મોદી (કેસરી ટી-શર્ટ) અને કરણ પાનવાલાની પોલીસે ધરપકડ કરી હતી

ગુજરાતમાં નશાના વેપાર સામે અભિયાન ચાલી રહ્યું છે ત્યારે સુરતમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતાના ઘરમાંથી પાંચ-પચીસ નહીં, દારૂની ૬૪૫ બૉટલો પોલીસે જપ્ત કરી હતી. સુરતમાં લાલગેટ પોલીસે સોમવારે મોડી રાતે અઢી વાગ્યે રેઇડ કરીને વૉર્ડ-નંબર ૧૨ના BJPના મહામંત્રી વિજય મોદીના ઘરમાંથી ૨,૬૫,૫૧૯ રૂપિયાની કિંમતની દારૂની ૬૪૫ બૉટલો ઝડપી પાડી હતી. પોલીસે વિજય મોદી અને તેમને ત્યાં કામ કરતા કરણ પાનવાલાની ધરપકડ કરી હતી, જ્યારે વિજય મોદીનો દીકરો રાજ મોદી ફરાર થઈ જતાં તેને વૉન્ટેડ જાહેર કરી પકડી લેવા માટે પ્રયાસો હાથ ધર્યા હતા.

પોલીસને બાતમી મળી હતી કે ખાંડબજારમાં રાજ મોદી અને વિજય મોદી તેમના જાળીવાળા ઘરમાં ઇંગ્લિશ દારૂ રાખીને વેચાણ કરે છે જેથી લાલગેટ પોલીસ-સ્ટેશનના સ્ટાફે ખાંડબજારમાં આવેલા લક્ષ્મી ભવનમાં રેઇડ કરી હતી. પોલીસે રેઇડ કરી ત્યારે ઘરમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ-અલગ બ્રૅન્ડની નાની-મોટી ૬૪૫ બાટલીઓ મળી આવી હતી. પિતા-પુત્રએ દારૂની બૉટલો પોતાના રહેણાક મકાનમાં છુપાવીને રાખી હતી અને એનું વેચાણ કરતા હતા. ખુદ BJPના નેતા દારૂનો ધંધો કરતાં પોલીસના હાથે ઝડપાઈ જતાં સુરત શહેર BJP કાર્યાલયે વિજય મોદીને કારણદર્શક નોટીસ ફટકારીને ૭ દિવસમાં ખુલાસો કરવા જણાવ્યું છે.

gujarat surat gujarat police gujarat politics bharatiya janata party Crime News news gujarati mid day gujarat news