27 March, 2025 11:53 AM IST | Surat | Gujarati Mid-day Correspondent
સ્વામીનારાયણ ગુરુકુળના નીલકંઠચરણ સ્વામી
સ્વામીનારાયણ સંપ્રદાયના કેટલાક સ્વામીઓનાં નિવેદનો છેલ્લા થોડાક સમયથી વિવાદાસ્પદ બની રહ્યાં છે અને એમાં હવે એકનો ઉમેરો થયો છે. એક વિડિયો વાઇરલ થયો છે જેમાં સુરતમાં વેડ રોડ પર આવેલા સ્વામીનારાયણ ગુરુકુળના નીલકંઠચરણ સ્વામીએ ભગવાન દ્વારકાધીશ માટે જે કહ્યું છે એને લીધે ભગવાન દ્વારકાધીશના ભક્તોમાં રોષ ફેલાયો છે.
નીલકંઠચરણ સ્વામીના વાઇરલ થયેલા વિડિયોમાં સ્વામી સત્સંગ કરાવતી વખતે એવું બોલતા જણાય છે કે ‘મહારાજ કહે છે, અમે જ્યારે દ્વારિકા ગયેલા અને દ્વારકાપતિએ અમને પ્રાર્થના કરેલી કે જો આપ કોઈ મોટું ધામ બનાવો, મોટું વિશાળ મંદિર બનાવો તો મારી ઇચ્છા છે કે ત્યાં આવીને અમારે નિવાસ કરવો છે.’
આ પ્રકારનાં ઉચ્ચારણો સાથેનો વિડિયો વાઇરલ થતાં દ્વારકાધીશના ભક્તોમાં રોષ ફેલાયો છે અને સ્વામી માફી માગે એવી માગણી ઊઠી છે.