03 July, 2025 07:58 AM IST | Surat | Gujarati Mid-day Correspondent
ઉકાઈમાં ધાર્મિકજનોએ તાપીમૈયાને ચૂંદડી અર્પણ કરીને પૂજા કરી હતી.
દક્ષિણ ગુજરાતમાંથી પસાર થતી સૂર્યપુત્રી તાપી નદીનો ગઈ કાલે જન્મદિન હતો. ઉકાઈ તેમ જ સુરતમાં ધાર્મિકજનોએ તાપીમૈયાના જન્મદિનની હરખભેર ઉજવણી કરી હતી જેમાં સુરતમાં તાપીમૈયાને ૧૩૦૦ મીટર લાંબી સાડી અર્પણ કરાઈ હતી.
ઉકાઈમાં કામધેનુ યુનિવર્સિટી અને ગંગા સમગ્ર સંસ્થા દ્વારા તાપી નદીના કિનારે ધાર્મિકજનો એકઠા થયા હતા અને તાપીમૈયાની આરતી ઉતારીને ચૂંદડી અર્પણ કરવામાં આવી હતી. આ ઉજવણીમાં મહિલાઓએ પણ મોટી સંખ્યામાં હાજર રહીને તાપીમૈયાની પૂજાઅર્ચના કરીને વધાવી હતી. બીજી તરફ સુરતમાં પણ તાપી કિનારા પર ઘણા લોકોએ તાપી નદીની પૂજા કરી હતી અને ભાવપૂર્વક શ્રીફળ વહેતાં કર્યાં હતાં.