02 April, 2026 11:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સાળંગપુર હનુમાનજી મંદિરમાં સંતો દ્વારા હનુમાનજી પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી.સાળંગપુર હનુમાન મંદિરમાં રાતે ધાર્મિકજનો ઊમટ્યા હતા.
ગુજરાતમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં ગઈ કાલથી બે દિવસના શ્રી હનુમાન જયંતી કૃતજ્ઞતા મહોત્સવનો હર્ષોલ્લાસ સાથે પ્રારંભ થયો હતો. અગણિત ધાર્મિકજનો હનુમાનદાદાનાં દર્શન કરવા મંદિરમાં ઊમટ્યા હતા.
મંદિરમાં સવારે મંગળા અને શણગાર આરતી યોજાઈ હતી. ત્યાર બાદ બ્રાહ્મણો અને હરિપ્રકાશદાસસ્વામીએ રાજોપચાર પૂજન કર્યું હતું. હનુમાનદાદાને ઑર્કિડ, ગુલાબ અને સેવંતીનાં ફૂલોનો વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. ૧૦૦૮ કિલો પુષ્પોથી અભિષેક–પુષ્પવર્ષા કરવામાં આવી હતી. બે દિવસના હનુમાન જયંતી મહોત્સવમાં ગઈ કાલે ઢોલ-શરણાઈ સાથે સવારે શોભાયાત્રા યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં ધાર્મિકજનો જોડાયા હતા. રાતે કિંગ ઑફ સાળંગપુરની મૂર્તિ પાસે સમૂહઆરતી યોજાઈ હતી.
આજે ડાંગમાં આવેલાં ૧૭૫ ગામોમાં હનુમાન જયંતીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે. ડાંગમાં આવેલાં ૩૧૧ ગામોમાં હનુમાન મંદિરના નિર્માણનો સુરતના ગોવિંદ ધોળકિયાએ સંકલ્પ લીધો છે. ડાંગના પ્રયોશા પ્રતિષ્ઠાન સંસ્થાના પી. પી. સ્વામી દ્વારા ડાંગના આદિવાસી બાંધવોના જીવનમાં સામાજિક ચેતના જગાવવા માટે ડાંગ પ્રયાગ, હનુમાન યાગ નામથી શ્રી હનુમાન યજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે. એમાં અત્યાર સુધીમાં ૧૭૫ હનુમાન મંદિરોનું નિર્માણ કરીને મંદિરો ખુલ્લાં મુકાયાં છે. આ મંદિરોમાં આજે ગામજનો દ્વારા હનુમાન ચાલીસાના પાઠ અને શોભાયાત્રા સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
અમદાવાદમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ કૅમ્પના હનુમાનજી મંદિરેથી શોભાયાત્રા નીકળી હતી. હનુમાન મંદિર ટ્રસ્ટે પરંપરા અનુસાર શોભાયાત્રા યોજી હતી, જેમાં સવારે સામૂહિક હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે શોભાયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. તેમણે હનુમાનદાદાનાં દર્શન કરીને પૂજા-અર્ચના કરી હતી. હનુમાનજીની વિશાળ ગદા અને ઑપરેશન સિંદૂરનો ટૅબ્લો આકર્ષણનું કેન્દ્ર બન્યાં હતા. આ ઉપરાંત શોભાયાત્રામાં ગજરાજ, ઊંટગાડી, સુશોભિત ટ્રકો, ભજનમંડળીઓ સાથે મોટી સંખ્યામાં ધાર્મિકજનો જોડાયા હતા. ઠેર-ઠેર શોભાયાત્રાને વધાવવામાં આવી હતી.