ઉનાળામાં ગુજરાત પર માવઠાનું સંકટ

17 March, 2026 09:23 AM IST  |  Saurashtra | Gujarati Mid-day Correspondent

૧૮ અને ૧૯ માર્ચે કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગે કરી આગાહી : ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત તેમ જ કચ્છ અને સૌરાષ્ટ્રનાં છૂટાંછવાયાં સ્થળોએ પડી શકે છે કમોસમી વરસાદ : આગાહીને પગલે ખેડૂતોની વધી ચિંતા

પ્રતીકાત્મક તસવીર

ગુજરાતમાં ઉનાળો ધીરે-ધીરે એનો તાપ દેખાડી રહ્યો છે ત્યારે એની વચ્ચે ઠંડક સાથે ખેડૂતો માટે ઉચાટના વાવડ વર્તાયા છે. ઉનાળામાં ગુજરાત પર માવઠાનું સંકટ મંડરાયું છે. હવામાન વિભાગે ગુજરાતમાં બે દિવસ કમોસમી વરસાદ પડવાની આગાહી કરી છે. માવઠાની આગાહીને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. 

હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે ૧૮ માર્ચે બુધવારે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠા જિલ્લામાં તેમ જ સૌરાષ્ટ્ર–કચ્છમાં જામનગર, મોરબી, દ્વારકા અને કચ્છ જિલ્લામાં હળવોથી મધ્યમ પવન ફૂંકાવા સાથે વીજળીના ચમકારા પણ થશે અને પ્રતિ કલાક ૪૦થી ૫૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવા સાથે છૂટાંછવાયાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
૧૯ માર્ચે ગુરુવારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મધ્ય ગુજરાતના દાહોદ અને પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર અને નર્મદા જ્યારે દક્ષિણ ગુજરાતના ભરુચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી, સૌરાષ્ટ્ર કચ્છમાં સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં છૂટાંછવાયાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

gujarat news gujarat Weather Update indian meteorological department saurashtra