21 October, 2026 07:14 PM IST | Gandhinagar | Gujarati Mid-day Correspondent
કલ્ચરલ ફોરમના ગરબામાં દીવડાઓની જ્યોતથી રચાયેલી સરસ્વતી માતાજીની વીણા વગાડતી આકૃતિ.
નવરાત્રિના પાવન અવસરે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આઠમના નોરતે રાતે કલ્ચરલ ફોરમના ગરબામાં હજારો માઈભક્તોએ હાથમાં દીવડા પ્રગટાવીને મહાઆરતી ઉતારતાં- ઉતારતાં દીવડાઓની જ્યોતથી વીણાવાદિની સરસ્વતી માતાજીની વિશાળ દિવ્ય કૃતિ રચી હતી. લોકો દ્વારા રચાયેલી અલૌકિક કૃતિએ પવિત્રતાનો માહોલ સર્જ્યો અને દીવડાઓની ઝળહળતી જ્યોતના પ્રકાશે વીણા વગાડતાં સરસ્વતી માતાજીની આકૃતિ જોઈને માઈભક્તો અભિભૂત થયા હતા.
ગાંધીનગર કલ્ચરલ ફોરમના ટ્રસ્ટી હિરેન ભટ્ટે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘નવરાત્રિ દરમ્યાન વર્ષોથી ગરબામાં લોકોની મદદથી દિવ્ય આકૃતિઓની રચના કરીએ છીએ. આ વર્ષે દુર્ગાષ્ટમીના અવસરે સમૂહ મહાઆરતી યોજાઈ હતી જેમાં સરસ્વતી માતાજીની વીણા વગાડતી કૃતિની રચના કરવાનું આયોજન કર્યું હતું. સાતમની રાતે ગરબા પૂરા થયા બાદ એન્જિનિયર, ડૉક્ટર, આર્કિટેક્ટ યુવાનો અને વડીલો સહિત ૫૦ લોકોની ટીમે મેદાનમાં સ્કેલ કરીને આકૃતિ રચી હતી. વાઇટ રંગથી લાઇન બનાવી હતી. આ ટીમે સવાર સુધી કામ કરીને તૈયારી કરી હતી. આઠમના નોરતે મહાઆરતીમાં ૧૫૦ સ્વયંસેવકોએ ખેલૈયાઓને ફૉર્મેશન પ્રમાણે ઊભા રાખ્યા હતા. તેમના હાથમાં દીવડાઓ આપીને માત્ર અડધો કલાકમાં હજારો દીવડાઓ મીણબત્તીની મદદથી પ્રગટાવ્યા હતા. ખેલૈયાઓએ પણ સ્વયંશિસ્ત રાખીને પૂરો સહકાર આપ્યો હતો. મેદાન પર ખેલૈયાઓ તેમ જ ગરબા જોવા આવેલા માઈભક્તોને પણ હાથમાં દીવડા આપ્યા હતા.’
મહાઆરતી ચાલુ થઈ ત્યારે મેદાનમાં લાઇટો બંધ કરી દેવામાં આવી હતી. મહાઆરતીમાં માઈભક્તોને ગરબા મેદાનમાં દોરાયેલી લાઇનમાં ઊભા રાખવામાં આવ્યાં હતા જેના પગલે દીવાઓની ઝળહળતી જ્યોતથી વીણા વગાડતાં સરસ્વતી માતાજીનું દિવ્ય અને અલૌકિક ફૉર્મેશન રચાયું હતું. વીણાવાદિની સરસ્વતી માતાજીની આકૃતિ રચાઈ ત્યારે મેદાનમાં ભક્તિ, શ્રદ્ધા અને આધ્યાત્મિક ચેતના પ્રસરી ગઈ હતી અને સૌ ભાવવિભોર થયા હતા. હજારો લોકો પોતે દીવડા લઈને મા સરસ્વતીના ફૉર્મેશન રચવામાં ભાગ ભજવ્યો એનાથી આનંદિત થયા હતા.