બનાસકાંઠા જિલ્લામાં ચડોતરુનો ભોગ બનેલા ૨૯ આદિવાસી પરિવારોની આજે ગામવાપસી

17 July, 2025 07:40 AM IST  |  Banaskantha | Gujarati Mid-day Correspondent

૧૨ વર્ષ પહેલાં ગામ છોડીને જતા રહેલા પરિવારોને હર્ષ સંઘવી સ્વમાનભેર ગામમાં કરાવશે પ્રવેશ

બનાસકાંઠા પોલીસના અધિકારીઓ સહિતના કર્મચારીઓએ ગામમાં આગેવાનો સાથે બેઠક કરી હતી.

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આદિવાસી પરિવારો માટે આજે સીમાચિહ‍્નરૂપ, આવકારદાયક સામાજિક કાર્ય થવા જઈ રહ્યું છે. ચડોતરુને કારણે ૧૨ વર્ષ પહેલાં દાંતા તાલુકામાં આવેલું મોટા પીપોદરા ગામ છોડીને જતા રહેલા ૨૯ આદિવાસી પરિવારોને ગુજરાતના ગૃહરાજ્યપ્રધાન હર્ષ સંઘવી દ્વારા સ્વમાનભેર ગામમાં પ્રવેશ કરાવવામાં આવશે.

બનાસકાંઠા પોલીસના અધિકારીઓ અને ગામના આગેવાનો ગામ છોડી ગયેલા પરિવારોને તેમની જમીન પાસે લઈ ગયા હતા.

આદિવાસી સમાજનો એક કુરિવાજ એટલે ચડોતરુ, જેમાં વેર લેવાની પરંપરા છે. આ કુરિવાજને કારણે બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના મોટા પીપોદરા ગામમાંથી ૧૨ વર્ષ પહેલાં કોદાર્વી સમુદાયના ૨૯ પરિવારોના ૩૦૦ જેટલા સભ્યો પોતાનું ગામ અને જમીન છોડીને પાલનપુર તથા સુરત જતા રહ્યા હતા. ચડોતરુને કારણે ગામ છોડીને ગયેલા પરિવારોને ગામમાં ફરી વસાવવા માટે હર્ષ સંઘવીએ રસ લઈને બનાસકાંઠા પોલીસને સૂચના આપી હતી. ત્યાર બાદ બનાસકાંઠા પોલીસે આ સમુદાયની વિગતો મેળવીને તેમનો સંપર્ક કર્યો હતો. એ પછી ગ્રામપંચાયતના આગેવાનો તથા બન્ને સમુદાયના આગેવાનો સાથે બેઠકો કરીને તેમને સમજાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત આ પરિવારોના પુનર્વસન બાદ ગામમાં સુલેહ-શાંતિ જળવાઈ રહે એ માટે પણ બેઠક કરવામાં આવી હતી. આ પરિવારોની ગામમાં ૮.૫ હેક્ટર જેટલી જમીન છે એ ક્યાં છે એની માપણી સહિતની કામગીરી બનાસકાંઠા પોલીસે ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર લૅન્ડ રેકૉર્ડ્સ સાથે સંકલનમાં રહીને કરી હતી. ઝાડીઝાંખરાં ઊગીને વેરાન બની ગયેલી આ જગ્યા સમથળ કરીને ખેતીલાયક કરવામાં આવી છે. આ ઉપરાંત પરિવારો માટે હાલમાં બે મકાનો તૈયાર કર્યાં છે અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના તથા વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે મળીને બાકીના ૨૭ પરિવારો માટે ટૂંક સમયમાં મકાન તેમ જ અન્ય જીવનજરૂરી સુવિધાઓ ઉપલબ્ધ બને એ માટે કામગીરી કરવામાં આવી રહી છે.

જમીનને સાફસૂફ કરાવીને એને ખેતી કરવા લાયક બનાવી છે. 

આદિવાસી પરિવારોની પુનર્વસનની આ કામગીરી અંતર્ગત હર્ષ સંઘવી આજે આ પરિવારોને માનભેર ગામમાં આવકારશે. સાથે-સાથે તેમની જમીન પર પૂજાવિધિ કરીને વાવણી માટે બિયારણ આપશે અને ગામમાં ફરી એક વાર નવી શરૂઆત કરાવશે.

ચડોતરુ શું છે? 
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વર્ષોથી એક કુપ્રથા ચાલતી હતી જે હવે નામશેષ જેવી છે. જાણકારોએ આ મુદ્દે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ચડોતરુ એટલે એવું કે આદિવાસી સમાજમાં લગ્ન પછી કે અન્ય કોઈ વિવાદમાં જો કોઈ પરિવારનો સભ્ય મૃત્યુ પામ્યો હોય અને મૃત્યુ પામનાર વ્યક્તિના પરિવારને લાગે કે તે ખોટી રીતે મૃત્યુ પામ્યો છે તો એ પરિવારના સભ્યો બીજા ગામે જે-તે પરિવાર પર ચડોતરુ એટલે કે એક જાતની ચડાઈ કરતા હોય છે અને બબાલ થતી હોય છે જેને કારણે ગામમાં રહેતો પરિવાર બીકનો માર્યો ગામ છોડીને જતો રહે છે. જોકે કેટલાક કિસ્સામાં સમાજના આગેવાનો સમાધાન પણ કરાવતા હતા.’

banaskantha harsh sanghavi gujarat news gujarat news gujarat government