નરેન્દ્ર મોદી આજે ગુજરાતમાં પ્રકૃતિની ગોદમાં આવેલા પૌરાણિક દેવમોગરાધામમાં જશે દર્શન કરવા

15 November, 2025 10:38 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

ડેડિયાપાડામાં નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં જનજાતીય ગૌરવ દિવસની થશે ઉજવણી : ૯૭૦૦ કરોડથી વધુનાં વિકાસ-કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે વડા પ્રધાન : બુલેટ ટ્રેનના નિર્માણાધીન સુરત સ્ટેશનની લેશે મુલાકાત

સાતપુડાના પર્વતોની વચ્ચે પ્રકૃતિની ગોદમાં દેવમોગરાધામ આવેલું છે

ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે ગુજરાતના નર્મદા જિલ્લામાં ડેડિયાપાડા ખાતે આજે જનજાતીય ગૌરવ દિવસની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કરવામાં આવશે. નરેન્દ્ર મોદી આ કાર્યક્રમમાં આવી રહ્યા છે ત્યારે તેઓ સાતપુડા પર્વતોની વચ્ચે આવેલા પૌરાણિક દેવમોગરાધામમાં યાહામોગી માતાજીનાં દર્શન કરવા જશે. આ ઉપરાંત અંત્રોલીમાં બની રહેલા બુલેટ ટ્રેનના સુરત સ્ટેશનની ચાલી રહેલી કામગીરીની મુલાકાત લેશે અને મુંબઈ–અમદાવાદ હાઈ સ્પીડ રેલ કૉરિડોરની પ્રગતિની સમીક્ષા કરશે.

નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના ૯૭૦૦ કરોડ રૂપિયાથી વધુનાં વિકાસ-કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે તેમ જ સભાને સંબોધશે. વડોદરાના ખાનપુર ખાતે મલ્ટિઍક્ટિવિટી સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સનું, કોયલીમાં ભૂગર્ભ ડ્રેનેજ નેટવર્કનું, હાલોલમાં ૧૦૦ બેડની સબ ડિ​સ્ટ્રિક્ટ હૉસ્પિટલનું, સુરતમાં ફ્લાયઓવર બ્રિજના નિર્માણના સહિતનાં વિકાસ-કાર્યોનું ખાતમુહૂર્ત કરશે. આ ઉપરાંત ગુજરાતમાં ૬૧,૧૨૫ આવાસોનાં લોકાર્પણ, નવસારીમાં મૉડર્ન ટાઉનહૉલનું લોકાર્પણ સહિત અનેક વિધ વિકાસ-કાર્યોનું લોકાર્પણ કરશે. આ દિવસે સાંજે એકતાનગર ખાતે ભગવાન બિરસા મુંડાના જીવન પર આધારિત વિશેષ નાટક પ્રસ્તુત થશે.

દેવમોગરાધામનું મહત્ત્વ

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં સાતપુડાના પર્વતોની વચ્ચે પ્રકૃતિની ગોદમાં દેવમોગરાધામ આવેલું છે જ્યાં યાહામોગી માતાજીનું સ્થાનક છે. નરેન્દ્ર મોદી અહીં માતાજીની પૂજા-અર્ચના કરીને આશીર્વાદ લેશે. દેવમોગરાધામ આદિજાતિ સમાજના લોકોની શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે જ્યાં માતાજીનાં ચરણોમાં ધાન્ય સમર્પણ કરવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે. અહીં ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ તેમ જ રાજસ્થાનથી પણ આદિજાતિ સમાજના લોકો દર્શન કરવા આવે છે. અહીંનો મહાશિવરાત્રિનો મેળો પ્રસિદ્ધ છે.

narendra modi gujarat gujarat government bhupendra patel gujarat news national news