11 November, 2024 01:33 PM IST | Surat | Bespoke Stories Studio
વિરલ દેસાઈ
દેશના જાણીતા પર્યાવરણવાદી અને ગ્રીનમેન તરીકે ઓળખાતા વિરલ દેસાઈએ તાજેતરમાં ટાટા સ્ટીલ અને ટાટા પાઇપ્સના એક્ઝિક્યુટિવ્ઝને સંબોધિત કરીને ક્લાયમેટ એક્શનની તાતી જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આ પ્રસંગે તેમણે દેશભરના હજારો ટાટાના કર્મચારીઓને સંબોધિત કર્યા હતા.
`સી.એસ.આર એટલે કે કલેક્ટિવ સસ્ટેનેબલ રસ્પોન્સિબિલિટી` નામના તેમના વક્તવ્યમાં વિરલ દેસાઈએ વિશ્વને અસર કરી રહેલા ક્લાયમેટ ચેન્જના ગંભીર પરિણામો અને તેનાથી બચવા માટેના ઉપાયો વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી. તેમણે રતન ટાટાને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે, `ટાટા જેવા મહાન ઉદ્યોગ જૂથના એક્ઝિક્યુટિવ્ઝને સંબોધવાનું મારા માટે ખૂબ જ રોમાંચક અનુભવ હતો. ક્લાયમેટ ચેન્જ જેવા ગંભીર મુદ્દા પર બોલવું એ મારી જવાબદારી છે.`
વિરલ દેસાઈએ તેમના વક્તવ્યમાં ભારપૂર્વક જણાવ્યું કે, ક્લાયમેટ ચેન્જ એ માત્ર એક પર્યાવરણીય સમસ્યા નથી, પરંતુ આપણી ભાવી પેઢી માટે એક મોટો ખતરો છે. આપણે સૌએ મળીને આ સમસ્યાનો સામનો કરવા માટે પ્રયત્નો કરવા જોઈએ. આ સાથે તેમણે એમ પણ સ્પષ્ટ કરી આપ્યું કે ક્લાયમેટ ચેન્જ એ માત્ર સરકારોની કે એનજીઓઝની કે કોર્પોરેટ્સની જ જવાબદારી નથી. આ જવાબદારી તમામ લોકોની છે. ઉલ્લેખનીય છે કે આ પહેલાં વિરલ દેસાઈએ ટેડેક્સ જેવા મંચો પર કે દુબઈ જેવા શહેરોમાં ક્લાયમેટ એક્શન અંગેના તેમના વિચારો રજૂ કર્યા છે.