✕

એક સમયે મજૂરીકામ કરતી મહિલાઓ આજે પરંપરાગત ભોજન જમાડીને કરી રહી છે લાખો રૂપિયાનું ટર્નઓવર

29 November, 2026 08:50 AM IST  |  Surat | Shailesh Nayak

તાપી જિલ્લામાં વનવિભાગના સહકારથી મહિલાઓ સફળતાપૂર્વક ચલાવી રહી છે ૪ વનશ્રી રેસ્ટોરાં : મહિલાઓના પરિશ્રમે જીવનમાં ફેલાવી સમૃદ્ધિની રોશની : ચૂલા પર બનતી પરંપરાગત રસોઈનો સ્વાદ દાઢે વળગ્યો છે સહેલાણીઓને અને સ્થાનિક લોકોને

સાથે મળીને શાક સમારતી બહેનો.

‘એક સમય હતો જ્યારે અમે ખેતમજૂરી કરતાં હતાં. એ સમયે રોજના માંડ ૫૦ કે ૬૦ રૂપિયા મળતા હતા. જોકે અમારો સમય બદલાયો. અમે બધી બહેનોએ સાથે મળીને વનશ્રી રેસ્ટોરાં ચલાવવામાં એવી મહેનત કરી કે આજે રોજના ઍવરેજ ૫૦૦ રૂપિયા મળતા થયા છે જેને કારણે મારા સહિતની બહેનોના જીવનમાં ખુશી છલકાવા સાથે જીવનમાં બહુબધો બદલાવ આવ્યો છે.’ 

ગુજરાતમાં જંગલ, નદીઓ અને પહાડોના કુદરતી વાતાવરણ વચ્ચે આવેલા તાપી જિલ્લાના વ્યારામાં વનવિભાગની વનશ્રી રેસ્ટોરાંનું સંચાલન કરી રહેલાં હેતવી સખી મંડળનાં રમીલા ગામિત આમ કહીને ‘મિડ-ડે’ સમક્ષ પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યાં હતાં.

ગુજરાતના તાપી જિલ્લાના વ્યારા વનવિભાગે ૪ વનશ્રી રેસ્ટોરાં ઊભી કરીને એનું સંચાલન સખી મંડળોને સોંપ્યું છે. આ સખી મંડળની બહેનોએ સ્વમાનભેર જીવન જીવવા સાથે આત્મનિર્ભરના રાહ પર ડગ માંડતાં સખત મહેનત કરી. પોતાના હાથે ચૂલા પર રોજેરોજ એવી ગરમાગરમ અને પરંપરાગત રસોઈ બનાવી કે સહેલાણીઓ તેમ જ સ્થાનિક લોકોની દાઢે આ રસોઈ વળગી. તાપી જિલ્લામાં એક સમયે જે મહિલાઓ મજૂરીકામ કરતી હતી એ મહિલાઓમાં વનવિભાગે વિશ્વાસ મૂક્યો અને તાપી જિલ્લાના વનવિભાગે હેતવી સખી મંડળ જેવાં સખી મંડળોને ૪ વનશ્રી રેસ્ટોરાં ચલાવવાનું કામ સોંપ્યું. હેતવી સખી મંડળ વ્યારામાં વનશ્રી રેસ્ટોરાં ચલાવે છે; જ્યારે આંબાપાણીમાં પ્રગતિ સખી મંડળ, સોનગઢમાં ચીકલદા ગામનું આદર્શ મહિલા મંડળ અને પદમડુંગરીમાં ચુનાવડીનું સાંઈ સખી મંડળ વનશ્રી રેસ્ટોરાં ચલાવે છે. મહિલાઓએ તેમને મળેલી તકને ઝડપી લઈને એવો પરિશ્રમ કર્યો છે કે આજે વન-પર્યટનના પગલે આ મહિલાઓ લાખો રૂપિયાનું ટર્નઓવર કરે છે. મહિલાઓએ સાથે મળીને કરેલી મહેનતથી આજે પચાસથી વધુ પરિવારોમાં પ્રગતિ થઈ છે અને જીવન ખુશખુશાલ બન્યું છે. ‘મિડ-ડે’એ વ્યારામાં અને પદમડુંગરીમાં વનશ્રી રેસ્ટોરાં ચલાવતી બહેનો સાથે વાત કરી.

વનશ્રી રેસ્ટોરાંમાં જમવા આવેલા ગ્રાહકો.

આદિવાસી જમણ

સહેલાણીઓ જ્યારે બહારગામ ફરવા જાય ત્યારે જમવામાં સ્થાનિક રસોઈ મળી જાય તો એનો ટેસ્ટ કરવાનું ચૂકતા નથી ત્યારે વ્યારામાં પાનવાડી વિસ્તારમાં આવેલી વનશ્રી રેસ્ટોરાંમાં આદિવાસી જમણની મિજબાની રોજેરોજ સહેલાણીઓ અને સ્થાનિક લોકો માણી રહ્યા છે. વનશ્રી રેસ્ટોરાંનું સંચાલન કરતાં રમીલા ગામિત ‘મિડ-ડે’ને કહે છે, ‘અમે બધી બહેનો હેતવી સખી મંડળ ચલાવીએ છીએ. ૨૦૨૦માં વનવિભાગે વ્યારામાં બનાવેલી વનશ્રી રેસ્ટોરાંનું સંચાલન અમારા મંડળને સોંપ્યું હતું. આજે આ રેસ્ટોરાં ચલાવતા અમારા મંડળને ઑગસ્ટ મહિનામાં ૬ વર્ષ પૂરાં થયાં છે અને સાતમું વર્ષ શરૂ થયું છે. અહીં અમારા મંડળની ૧૧ બહેનો કામ કરે છે. અમારે ત્યાં અમે ઘર જેવું આદિવાસી જમવાનું પીરસીએ છીએ. બે લીલાં શાક, એક કઠોળ, દાળ-ભાત, નાગલી, જુવાર, ચોખા, બાજરીના રોટલા તેમ જ ઘઉંની રોટલી, ચોખાના લોટમાંથી બનાવેલી સ્વીટ, નાગલીના લાડુ તેમ જ શીરો અને બીટનો હલવો પીરસીએ છીએ. સાંજની રસોઈની સાથે ખીચડી-કઢી બનાવીએ છીએ. રોજનું વીસથી પચીસ કિલો શાક બનાવીએ છીએ. બધું મળીને અમે ફિક્સ થાળી ૧૩૦ રૂપિયામાં આપીએ છીએ.’ 

પરંપરાગત થાળી અને વાનગી.

ચૂલા પર બને છે રસોઈ

લાકડાં સળગાવીને ચૂલા પર બનેલી રસોઈનો ટેસ્ટ કંઈક અલગ જ હોય છે. વનશ્રીની રસોઈ કદાચ એટલે જ સ્વાદના શોખીન લોકોને આકર્ષી રહી છે. વનશ્રીમાં કેમ લોકો જમવા આવે છે એની પાછળનું કારણ જણાવતાં રમીલા ગામિત કહે છે, ‘અમે પરંપરાગત આદિવાસી ભોજન બનાવીએ છીએ. ઘર જેવું સાદું જમવાનું હોય છે, જેમાં ઑઇલ ‍વધારે નથી હોતું કે મસાલા પણ વધારે નથી હોતા એટલે આ રસોઈ જમવાથી કોઈ પ્રૉબ્લેમ થતો નથી અને એ પચવામાં અનુકૂળ હોય છે. આ બધી રસોઈ અમે લાકડાના ચૂલા પર બનાવીએ છીએ એટલે એનો સ્વાદ અલગ આવે છે. બાપદાદાના સમયે જે રીતે જમવાનું બનતું એ રીતે આજે પણ અમે બનાવીએ છીએ અને લોકો ચૂલા પર બનેલી રસોઈ જમવાનું પસંદ કરે છે.’

ચૂલા પર રસોઈ બનાવતી હેતવી સખી મંડળની બહેનો.

૫૩ લાખનું ટર્નઓવર

વનશ્રીની સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્ય માટે અનુકૂળ રસોઈ જમવા માટે લોકો રોજેરોજ આવે છે, જેને કારણે વનશ્રીની આવક લાખ્ખોમાં પહોંચી છે. આ મુદ્દે વાત કરતાં રમીલા ગામિત કહે છે, ‘અમે ૧૩૦ રૂપિયામાં ફિક્સ થાળી પીરસીએ છીએ. અમારે ત્યાં રોજ અંદાજે ૧૫૦ જેટલી થાળીઓ પીરસાય છે. આ ઉપરાંત અમારે ત્યાં શાક-રોટલો, શાક-રોટલી કે ખાલી શાક લેવા પણ લોકો આવે છે. ૨૦૨૫માં અમારું ટર્નઓવર ૫૩ લાખ રૂપિયાનું થયું હતું. અમારે ત્યાં કુલ આવક થઈ હોય એમાંથી અનાજ-કરિયાણાનો તેમ જ અન્ય ખર્ચ કાઢી નાખીએ છીએ. આ ઉપરાંત જે કુલ આવક થઈ હોય એમાંથી મહિને ૧૦ ટકા પ્રમાણે ભાડું સરકારને આપીએ છીએ. એ પછી જે રકમ વધે એ બધી બહેનો સરખે ભાગે વહેંચી લઈએ છીએ. અમને બહેનોને મહિને આશરે અંદાજે ૧૫,૦૦૦ રૂપિયા જેટલા મળે છે.’

સાથે મળીને કામ કરે છે બહેનો

ગીતાબહેન હોય કે અરુણાબહેન હોય કે પછી રશીદાબહેન હોય કે શકીલાબહેન હોય, તેમના  સહિતની તમામ બહેનો સાથે મળીને રેસ્ટોરાંમાં કામ કરે છે. સવારે બજારમાંથી શાકભાજી લેવા જવાનું હોય કે પછી અનાજ-કરિયાણું લેવાનું હોય, બહેનો આ કામ વહેંચી લે છે. શાક સમારવાનું હોય કે રેસ્ટોરાંમાં રસોઈ બનાવવી, હિસાબ-કિતાબ રાખવો, જમવાનું પીરસવાનું આ બધાં જ કામ બહેનો સાથે મળીને કરે છે. ઘણી વખત તો જે-તે બહેનના ખેતરમાં જો શાક વાવ્યાં હોય તો ગામડેથી પણ તાજાં શાકભાજી લાવવામાં આવે છે. સવારે ૮ કે ૮.૩૦ વાગ્યાથી લઈને રાતે ૧૦ વાગ્યા સુધી બહેનો વનશ્રી રેસ્ટોરાંમાં કામ કરે છે.

જીવનમાં આવ્યો બદલાવ, થઈ પગભર

છેલ્લાં ૬ વર્ષથી વનશ્રી રેસ્ટોરાં ચલાવી રહેલી મહિલાઓના જીવનમાં બદલાવ આવ્યો છે. આ વિશે વાત કરતાં રમીલા ગામિત કહે છે, ‘અમે પહેલાં પશુપાલન અને ખેતીનું કામ કરતાં હતાં, ખેતમજૂરી કરતાં હતાં. કોઈ મજૂરીએ બોલાવે તો મજૂરીએ જતાં હતાં ત્યારે રોજના ૫૦ કે ૬૦ રૂપિયા મળતા હતા, પણ વનશ્રી રેસ્ટોરાંનું કામ કરતાં થયાં એ પછી આજે અમને ઍવરેજ રોજના ૫૦૦ રૂપિયા મળતા થયા છે જેને કારણે બહેનોના જીવનમાં બહુબધો ફેર પડ્યો છે. પહેલાં હસબન્ડ કામ પર જતા હતા. તેમના એકલાથી ઘરનું ગુજરાન ચાલતું નહીં, કેમ કે ઘરની જરૂરિયાત પૂરી થતી નહોતી એટલે અમે મજૂરી કરતાં હતાં. વનશ્રી રેસ્ટોરાંમાં કામ શરૂ કર્યું તો ધીરે-ધીરે અમે પગભર થયાં છીએ. છોકરાઓને ભણાવવાના હોય કે ઘરનાં બીજાં કામ હોય, એમાં ઘણોબધો બદલાવ આવ્યો છે. આર્થિક રીતે સ્થિતિ સારી થઈ છે અને સારી રીતે જીવીએ છીએ, માતા-પિતાનું ધ્યાન રાખીએ છીએ, છોકરાઓને સારું પહેરાવીએ છીએ, સારું ખાઈએ છીએ, સારી રીતે ફરીએ છીએ. જીવનમાં બહુબધો ફરક પડ્યો છે.’

આંબાપાણી ઇકો-ટૂરિઝમ સાઇટમાં પ્રગતિ સખી મંડળની મહિલાઓ પીરસે છે પરંપરાગત રસોઈ
ગુજરાતના તાપી જિલ્લાનાં ગાઢ જંગલો અને પૂર્ણા નદીના કિનારે આંબાપાણી ઇકો-ટૂરિઝમ સાઇટ આવી છે. એ ડોલવણ તાલુકાના આમણિયા ગામ પાસે આવેલી છે. આ ઇકો-ટૂરિઝમ સાઇટ પર આવતા સહેલાણીઓને પ્રગતિ સખી મંડળની બહેનો પરંપરાગત તેમ જ ઑર્ડર મુજબનું ભોજન પીરસે છે. પ્રગતિ સખી મંડળનાં પ્રમુખ કલા ગામિત ‘મિડ ડે’ને કહે છે, ‘અહીં વનવિભાગની વનશ્રી રેસ્ટોરાં ચાલે છે. અમને વનવિભાગે રસોઈની તાલીમ આપી હતી એ પછી અમારા સખી મંડળની ૭ બહેનો ભોજન બનાવવાનું કામ કરે છે. અહીં રહેવાની સગવડ હોવાથી સહેલાણીઓ ફરવા અને રોકાવા આવે છે એટલે અમે ગુજરાતી થાળી, ડાંગી થાળી સહિત પરંપરાગત ભોજન બનાવીએ છીએ. સવારે અને સાંજે ચા-નાસ્તો અને ઑર્ડર પ્રમાણે ભોજન બનાવીએ છીએ. દિવાળીના વેકેશનમાં ખૂબ સારું કામ ચાલે છે. જંગલ વચ્ચે તેમ જ પૂર્ણા નદીના કિનારે આ સાઇટ આવેલી છે એટલે દિવાળી સહિતના વેકેશનમાં તેમ જ શનિવારે અને રવિવારની રજામાં અહીં લોકો ફરવા આવે છે. અમે ઑર્ડર પ્રમાણે જમવાનું બનાવીએ છીએ. આ કામથી અમારા સખી મંડળની બહેનોને સંતોષ છે. મારી સાથે તમામ બહેનોને રોજગારી મળે છે, બાળકોને ભણાવે છે અને બધી પરિસ્થિતિમાં સારું રહે છે. ખાસ વાત એ છે કે ગામની નજીકમાં રોજગારી મળી રહે છે એ સારું છે.’ 

gujarat news gujarat environment food and drink Gujarati food indian food shailesh nayak