ઈરાનને બાવીસ શક્તિશાળી દેશોની ચેતવણી

13 June, 2026 09:29 AM IST  |  Tehran | Gujarati Mid-day Correspondent

અમેરિકા, બ્રિટન, કૅનેડા અને ઑસ્ટ્રેલિયાએ સંયુક્ત નિવેદન જાહેર કરીને વિદેશી ધરતી પર આતંક અને ષડ્‌યંત્રો બંધ કરવાનું કહ્યું

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

વિશ્વના બાવીસ અગ્રણી દેશોએ એક અભૂતપૂર્વ પગલું ભરીને ઈરાન વિરુદ્ધ એક થઈને મોરચો ખોલ્યો છે. અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની, કૅનેડા અને ઑસ્ટ્રેલિયા સહિતના બાવીસ દેશોએ એક સંયુક્ત નિવેદન જાહેર કરીને ઈરાન દ્વારા અન્ય દેશોની ધરતી પર કરવામાં આવતી દુશ્મનાવટભરી અને ગુપ્ત કાર્યવાહીઓની આકરી ટીકા કરી છે. ગુરુવારે જાહેર કરાયેલા આ નિવેદનમાં ઈરાનની સુરક્ષા-એજન્સીઓ પર આંતરરાષ્ટ્રીય ગુનાહિત નેટવર્કનો ઉપયોગ કરીને વિદેશમાં રહેતા એના વિરોધીઓ, પત્રકારો અને નાગરિકોની હત્યા, અપહરણ અને ધાકધમકી આપવાનાં કાવતરાં ઘડવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે.

અમેરિકા, ફ્રાન્સ, નેધરલૅન્ડ્સ, સ્વીડન અને ન્યુ ઝીલૅન્ડ સહિતના તમામ બાવીસ હસ્તાક્ષરકર્તા દેશોએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ આ વૈશ્વિક જોખમો સામે એકજૂથ રહેશે અને ઈરાનને એની જોખમી અને અસ્થિરતા ફેલાવતી પ્રવૃત્તિઓ તાત્કાલિક બંધ કરવા અંતિમ ચેતવણી આપી છે.

ડોનલ્ડ ટ્રમ્પ કહે છે કે ઓમાનમાં ભારતીય જહાજો પર અટૅક ઈરાને કર્યા છે, અમે નહીં 

અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા ભારે તનાવ વચ્ચે અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે ઈરાન પર તીખા પ્રહારો કર્યા છે. ટ્રમ્પે ઈરાન પર સંભવિત શાંતિકરાર વિશે ફેક ન્યુઝ ફેલાવવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. આ સાથે જ તેમણે દાવો કર્યો છે કે ઈરાની દળોએ હોર્મુઝની ખાડી નજીકથી પસાર થઈ રહેલાં જહાજો જેમાં ભારતીય ક્રૂ હતા એને નિશાન બનાવીને ડ્રોન હુમલો કર્યો હતો જેને અમેરિકા દ્વારા નિષ્ફળ બનાવી દેવાયો છે.

ટ્રમ્પે વધુમાં ઉમેર્યું હતું કે ઓમાનના દરિયાકાંઠે ભારતીય જહાજો પર બુધવારે રાત્રે ઈરાન દ્વારા કરાયેલો ડ્રોન હુમલો સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે અને ઈરાને વહેલી તકે સુધરી જવાની જરૂર છે. નોંધનીય છે કે આ વિવાદ એવા સમયે આવ્યો છે જ્યારે અમેરિકાએ પોતે અગાઉ ભારતીય ક્રૂ ધરાવતાં ૩ જહાજો પર બૉમ્બમારો કર્યો હોવાની વાત સ્વીકારી હતી, જેમાં ૩ ભારતીય નાવિકોનાં મોત થયાં હતાં. 

iran united states of america great britain france canada germany australia international news world news news