અફઘાનિસ્તાનના હિન્દુકુશ ક્ષેત્રમાં ૬.૨ની તીવ્રતાનો ધરતીકંપ

04 November, 2025 10:45 AM IST  |  Kabul | Gujarati Mid-day Correspondent

૨૦ લોકોએ જીવ ગુમાવ્યો, ૫૦૦થી વધારે લોકો ઘાયલ

પ્રતીકાત્મક તસવીર

અફઘાનિસ્તાનના હિન્દુકુશ ક્ષેત્રમાં ગઈ કાલે વહેલી સવારે એક વાગ્યાની આસપાસ ૬.૨ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો, જેના આંચકા પાકિસ્તાનમાં પણ અનુભવાયા હતા. આ ધરતીકંપના કારણે અફઘાનિસ્તાનમાં આશરે ૨૦ લોકોએ જીવ ગુમાવ્યો હોવાનું અને ૫૦૦ લોકો ઘાયલ થયા હોવાનું જણાવવામાં આવ્યું છે. આ ધરતીકંપ બાદ અમેરિકાની જિયોલૉજિકલ સંસ્થાએ ઑરેન્જ અલર્ટ જાહેર કરી છે.

આ ભૂકંપ અફઘાનિસ્તાનના કાબુલ, ઈરાનના મશહાદ અને પાકિસ્તાનના ઇસ્લામાબાદ સુધી અનુભવાયો હતો. શનિવારે આ જ પ્રદેશમાં ૪.૯ની તીવ્રતાનો હળવો ભૂકંપ અનુભવાયો હતો. થોડા મહિના પહેલાં આવા શક્તિશાળી ધરતીકંપમાં ૮૦૦ લોકોએ જીવ ગુમાવ્યો હતો.

વિદેશપ્રધાને ફોન કરીને અફઘાનિસ્તાનને મદદનો ભરોસો આપ્યો

ધરતીકંપના સમાચાર પછી ભારતના વિદેશપ્રધાન એસ. જયશંકરે અફઘાનિસ્તાનના કાર્યવાહક વિદેશપ્રધાન આમિર ખાન મુત્તાકી સાથે ફોન પર વાત કરી હતી અને ધરતીકંપમાં થયેલી હાનિ માટે સંવેદના વ્યક્ત કરી હતી. આ વિશે એસ. જયશંકરે સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી હતી કે ‘ભારતે ધરતીકંપથી પ્રભાવિત લોકોને મદદ માટે રાહતસામગ્રી અફઘાનિસ્તાનના અધિકારીઓને સોંપી છે. જલદી જ વધારાની દવાઓનો પુરવઠો પણ મોકલીશું જેથી પ્રભાવિત વિસ્તારોમાં રાહતકાર્ય ઝડપી થઈ શકે. ભારત આ કઠિન સમયમાં અફઘાનિસ્તાtન સાથે ઊભું છે અને માનવીય સહાયતા ચાલુ રાખીશું.’

afghanistan earthquake international news world news news