31 August, 2026 11:08 AM IST | Nepal | Gujarati Mid-day Correspondent
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
નેપાલના રાસુવા જિલ્લામાં આવેલા વિનાશક પૂરના ૩ દિવસ પછી ૬ વર્ષની એક બાળકીને કાદવ અને કાટમાળ નીચેથી જીવતી બહાર કાઢવામાં આવી હતી. આ ઘટના સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાંના એક તિમુર ગામમાં બની હતી. આ ઘટનાને ચમત્કારથી ઓછી માનવામાં આવી રહી નથી. બચી ગયેલા લોકોને શોધતી વખતે આર્મ્ડ પોલીસ ફોર્સ (APF)ના અધિકારીઓએ કાદવ નીચેથી હળવી ચીસો સાંભળી હતી. તેમણે તરત જ ખોદકામ શરૂ કર્યું હતું અને છોકરીને સુરક્ષિત રીતે બહાર કાઢી હતી.
છોકરીને શરૂઆતમાં તિમુરે સ્થિત APF બૉર્ડર આઉટપોસ્ટ પર સારવાર આપવામાં આવી હતી, પરંતુ તેની હાલત વધુ ખરાબ થઈ હોવાથી તેને વધુ સારી સારવારની જરૂર હતી. શુક્રવારે સાંજે તેને કાઠમાંડુ ઍરલિફ્ટ કરવાની વ્યવસ્થા કરી હતી. જોકે ખરાબ હવામાન અને ઓછી વિઝિબિલિટીને કારણે ફ્લાઇટ મોડી પડી હતી. બચાવ-અધિકારીઓએ શનિવારે બપોર સુધી તેની સ્થિતિ જાળવી રાખી હતી અને પછી હેલિકૉપ્ટર દ્વારા કાઠમાંડુની હૉસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. છોકરીની સારવાર હવે નિષ્ણાત ડૉક્ટરો દ્વારા કરવામાં આવી રહી છે અને તબીબી દેખરેખ હેઠળ છે. તેના બચાવનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો હતો.