ઑલિમ્પિક્સની ઓપનિંગ સેરેમનીની શરૂઆતના થોડા કલાકો પહેલાં જ... ફ્રાન્સમાં હાઈ સ્પીડ રેલવે નેટવર્ક પર હુમલો

27 July, 2024 08:48 AM IST  |  Paris | Gujarati Mid-day Correspondent

પૅરિસ જતી ૩ રેલવે લાઇનો પર તોડફોડ, આગ ચાંપવામાં આવી, હુમલો કોણે અને શા માટે કર્યો એની જાણકારી નહીં, ૮ લાખ પ્રવાસીઓને અસર

ફ્રાન્સની હાઈ સ્પીડ રેલવે ટ્રેન નેટવર્ક પર હુમલો

ફ્રાન્સમાં ઑલિમ્પિક ગેમ્સની ઓપનિંગ સેરેમનીના લગભગ ૧૦ કલાક પહેલાં ગઈ કાલે સવારે ૫.૧૫ વાગ્યે ફ્રાન્સની હાઈ સ્પીડ રેલવે ટ્રેન નેટવર્ક પર હુમલો કરવામાં આવ્યો હતો  અને એમાં ઘણી રેલવે લાઇનો પર તોડફોડ કરવામાં આવી હતી અને વાયરોને સળગાવી દેવામાં આવ્યા  હતા. આ હુમલા કોણે કર્યા હતા અને શા માટે કર્યા હતા એની જાણકારી મળી નથી. જેનાથી આગ ચાંપવામાં આવી હતી એ ડિવાઇસ મળી આવ્યું છે.

ફ્રાન્સની નૅશનલ રેલવે કંપની SNCFના જણાવ્યા મુજબ હુમલાના અડધા કલાકમાં જ પૅરિસ આવતી-જતી ઘણી ટ્રેનો રદ કરી દેવામાં આવી હતી. ઘણી ટ્રેનો ૯૦ મિનિટ મોડી દોડતી હતી. ગઈ કાલે કુલ અઢી લાખ પ્રવાસી પરેશાન થયા હતા અને આશરે ૮ લાખ પ્રવાસીઓને એની અસર થવાની સંભાવના છે.

હાઈ સ્પીડ ટ્રેન નેટવર્ક પર સુનિયોજિત રીતે હુમલો થયો હતો. ઉત્તરમાં લિલી, પશ્ચિમમાં બૉર્ડો અને પૂર્વમાં સ્ટ્રાસબર્ગ જેવાં શહેરોને પૅરિસથી જોડતી રેલવે લાઇન પર આ હુમલો કરવામાં આવ્યો હતો અને ટ્રેન-સર્વિસ બંધ કરવી પડી હતી. પૅરિસના મુખ્ય રેલવે સ્ટેશન મોંટપર્નાર્સે પર સૌથી વધુ અસર જોવા મળી હતી. ટ્રેનોને અલગ-અલગ લાઇન પર વાળવામાં આવી હતી છતાં ઘણી ટ્રેનો રદ કરવી પડી હતી. યુરો ઍરપોર્ટને ફરી શરૂ કરી દેવામાં આવ્યું છે. આ ઍરપોર્ટનું સંચાલન ફ્રાન્સ અને સ્વીડન એમ બે દેશ કરી રહ્યા છે.

હુમલાખોરો પાસે આખી સિસ્ટમની જાણકારી

આ હુમલાને ઑલિમ્પિક રમતોમાં અવરોધ ઊભા કરવાનું ષડ્યંત્ર ગણાવીને ફ્રાન્સના વડા પ્રધાન ગેબ્રિયલ અટ્ટલે જણાવ્યું હતું કે હુમલાખોરોને આખી રેલવે-સિસ્ટમની જાણકારી હતી એટલે તેમણે મુખ્ય સાઇટ્સને જ નિશાન બનાવી છે જેથી થોડી જ મિનિટોમાં આખું નેટવર્ક ઠપ થઈ જાય. તેમને ખબર હતી કે હુમલો ક્યાં કરવાનો છે.

૧૦,૫૦૦ ખેલાડી અને ૫૭,૦૦૦ સુરક્ષા જવાન

૨૬ જુલાઈથી ૧૧ ઑગસ્ટ દરમ્યાન આ રમતોત્સવ યોજાશે. ૨૦૬ દેશોના ૧૦,૫૦૦ ખેલાડી એમાં ભાગ લેશે. ભારતથી ૧૧૭ ખેલાડી આ રમતોમાં ભાગ લેવા ગયા છે. આ આયોજન સુરક્ષિત રહે એ માટે ૪૫,૦૦૦થી વધારે પોલીસ, ૧૦,૦૦૦ સૈનિકો, ૨૦૦૦ પ્રાઇવેટ સુરક્ષા ગાર્ડ સહિત ૫૭,૦૦૦ સુરક્ષા જવાનો તહેનાત છે. જ્યાં ખેલાડીઓ ઊતર્યા છે ત્યાં છતો પર સ્નાઇપર્સ તહેનાત છે, ડ્રોનથી નજર રાખવામાં આવી રહી છે.

ત્રણ વાર હુમલા

ઑલિમ્પિક રમતોમાં ત્રણ વાર હુમલા થયા છે. ૧૯૦૦માં પૅરિસમાં હુમલો થયો હતો. ૧૯૭૨માં જર્મનીના મ્યુનિક શહેરમાં સૌથી ભીષણ હુમલો થયો હતો, જેમાં ઇઝરાયલના ૧૧ ખેલાડીને પકડીને બંધક બનાવાયા હતા અને પછી ઠાર કરવામાં આવ્યા હતા. ૧૯૯૬માં ઍટ્લાન્ટા ઑલિમ્પિક્સમાં પાઇપ-બૉમ્બ હુમલો થયો હતો.

૨૦ વર્ષની સજા, કરોડો રૂપિયાના દંડની જોગવાઈ

ફ્રાન્સમાં રેલવે સિસ્ટમની સુરક્ષા માટે કડક નિયમો બનાવવામાં આવ્યા છે એટલે અપરાધીઓને રેલવે નેટવર્કને નુકસાન પહોંચાડવા માટે ૨૦ વર્ષની જેલની સજા અને ૩ લાખ યુરો (આશરે ૩.૨૭ કરોડ રૂપિયા)ના દંડની જોગવાઈ છે.

france paris Olympics international news world news