હોર્મુઝ સ્ટ્રેટ માટે બ્રિટને પહેલ કરી, ૩૫ દેશો વચ્ચે બેઠક થઈ ભારત તરફથી પણ વિદેશસચિવ વિક્રમ મિસરીએ ભાગ લીધો

03 April, 2026 11:21 AM IST  |  Iran | Gujarati Mid-day Correspondent

બ્રિટનની આ બેઠકમાં ફ્રાન્સ, જર્મની, ઇટલી, નેધરલૅન્ડ્સ, જપાન, કૅનેડા, દક્ષિણ કોરિયા, યુનાઇટે આરબ એમિરેટ્સ, બાહરિન, ઓમાન જેવા દેશો ભાગ લઈ રહ્યા છે. 

હોર્મુઝની ખાડી

દુનિયાભરમાં કાચા તેલ અને ગૅસની સપ્લાય ઠપ થઈ જવાથી અનેક દેશો ભારે સંકટમાં મુકાઈ ગયા છે અને વૈશ્વિક અર્થવ્યવસ્થા પર જોખમ તોળાઈ રહ્યું છે ત્યારે હોર્મુઝ સ્ટ્રેટ ખોલવાના ઉપાયો વિશે બ્રિટનમાં ૩૫ દેશો વચ્ચે બેઠક યોજાઈ છે. ભારત પણ બ્રિટનની આ પહેલમાં સામેલ થયું છે. મિનિસ્ટ્રી ઑફ એક્સ્ટર્નલ અફેર્સના પ્રવક્તા રણધીર જાયસવાલે કહ્યું હતું કે ‘બ્રિટન તરફથી ઘણા દેશોને હોર્મુઝ સ્ટ્રેટ પર વાતચીત કરવા માટે બોલાવવામાં આવ્યા છે. ભારત એમાં સામેલ છે. ભારત તરફથી ગઈ કાલે વિદેશ સેક્રેટરી વિક્રમ મિસરીએ બેઠકમાં ભાગ લીધો હતો. અમે ઈરાન અને ત્યાંના અન્ય દેશોના સંપર્કમાં છીએ જેથી એ જોઈ શકીએ કે આપણાં જહાજોને કોઈ અવરોધ વિના સુરક્ષિત આવાગમન કઈ રીતે કરાવી શકાય.’

બ્રિટનની આ બેઠકમાં ફ્રાન્સ, જર્મની, ઇટલી, નેધરલૅન્ડ્સ, જપાન, કૅનેડા, દક્ષિણ કોરિયા, યુનાઇટે આરબ એમિરેટ્સ, બાહરિન, ઓમાન જેવા દેશો ભાગ લઈ રહ્યા છે. 

આ સમસ્યાઓનું મૂળ અમેરિકા અને ઇઝરાયલ છે: ચીન 

દુનિયાની બીજી મહાશક્તિ ગણાતા ચીનના વિદેશમંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે એક પ્રેસ-કૉન્ફરન્સમાં હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજોનું આવાગમન અવરોધાવાથી વિશ્વભરમાં સંકટ પેદા થયું છે એ માટે ખુલ્લંખુલ્લા અમેરિકા અને ઇઝરાયલને જવાબદાર ઠેરવ્યાં છે. તેમણે કહ્યું હતું કે ‘ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ પર જહાજો રોક્યાં છે એ માટે ઈરાન નહીં, અમેરિકા અને ઇઝરાયલે ઈરાન વિરુદ્ધ શરૂ કરેલું ગેરકાનૂની સૈન્ય અભિયાન જવાબદાર છે.’

international news hormuz strait middle east crisis iran china israel united states of america great britain