21 November, 2025 07:17 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
ઑપરેશન સિંદૂર
અમેરિકાનું વલણ આમ પણ પાકિસ્તાનતરફી જ રહ્યું છે, પરંતુ તાજેતરમાં બહાર પડેલા એક રિપોર્ટમાં તો જુઠ્ઠાણાની તમામ હદો પાર થઈ ગઈ છે. અમેરિકા-ચાઇના ઇકૉનૉમિક ઍન્ડ સિક્યૉરિટી રિવ્યુ કમિશન (USCC)એ બહાર પાડેલા એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ૨૦૨૫ના મે મહિનામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે જે ૪ દિવસનું યુદ્ધ થયું હતું એમાં પાકિસ્તાનની સેનાને બહુ મોટી કામિયાબી મળી હતી. આ રિપોર્ટમાં પહલગામમાં થયેલા હુમલાને પણ આતંકવાદી હુમલો ન માનીને વિદ્રોહી હુમલો કહેવામાં આવ્યો હતો. આ રિપોર્ટ ૮૦૦ પાનાંનો છે.
આ રિપોર્ટ બહાર આવ્યા પછી કૉન્ગ્રેસના નેતા જયરામ રમેશે રિપોર્ટનો વિરોધ કરીને કહ્યું હતું કે ‘વડા પ્રધાન અને વિદેશ મંત્રાલય આ રિપોર્ટ સામે વિરોધ નોંધાવશે? આ આપણી કૂટનીતિને મોટો ઝટકો છે.’
પાકિસ્તાને દાવો કર્યો હતો કે એણે ભારતનાં ઓછામાં ઓછાં ૬ ફાઇટર જેટ્સ તોડી પાડ્યાં હતાં જેમાં રફાલ જેટ પણ સામેલ છે. આ દાવાથી રફાલની ઇમેજને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. અમેરિકન રિપોર્ટમાં જોકે ભારતનાં ત્રણ જ જેટ તોડી પાડવાની પુષ્ટિ થઈ છે.
ચીને પોતાનાં આધુનિક હથિયારોને લાઇવ વૉરમાં ટેસ્ટ કરવા માટે અને દુનિયાને દેખાડવા માટે ભારત-પાકિસ્તાન યુદ્ધનો ઉપયોગ કર્યો હતો. પાકિસ્તાનને આ દરમ્યાન ચીન પાસેથી ખુફિયા માહિતી પણ મળી હતી. પાકિસ્તાનનાં ૮૨ ટકા હથિયારો ચીનથી આવ્યાં છે.
ડોનલ્ડ ટ્રમ્પની ફરી શેખી ઃ ૩૫૦ ટકા
ટૅરિફની ધમકી આપી ત્યારે ભારત–પાકિસ્તાનનું યુદ્ધ રોકાયું
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે ફરી એક વાર ભારત-પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ રોકવાની ક્રેડિટ ખાટવાની કોશિશ કરી હતી. અમેરિકા અને સાઉદી અરેબિયાની ઇન્વેસ્ટમેન્ટ ફોરમમાં બુધવારે ડોનલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે ‘ભારત અને પાકિસ્તાન પરમાણુ હથિયારો લઈને તૈયાર બેઠાં હતાં અને વાત ન્યુક્લિયર વૉર તરફ વધી રહી હતી. મેં તેમને કહેલું કે ઠીક છે તમે એ કરી શકો છો, પરંતુ હું બન્ને પર ૩૫૦ ટકા ટૅરિફ લગાવી દઈશ; સાથે જ હવે અમેરિકા તમારી સાથે વેપાર નહીં કરે. એ પછી મને સૌથી પહેલાં પાકિસ્તાની વડા પ્રધાન શાહબાઝ શરીફનો ફોન આવ્યો હતો કે શુક્રિયા, તમે લાખો લોકોનો જીવ બચાવ્યો. એ પછી મોદીનો ફોન આવ્યો અને કહ્યું કે અમે ખતમ કરી ચૂક્યા છીએ. મેં પૂછ્યું શું ખતમ કરી લીધું? ત્યારે મોદીએ કહ્યું કે અમે યુદ્ધ નથી કરી રહ્યા.’