પાકિસ્તાનમાં અફઘાન રાજદૂતની પુત્રીનું અપહરણ બાદ છૂટકારો

18 July, 2021 12:01 PM IST  |  Islamabad | Agency

અફઘાનિસ્તાનની સરકારે આ ઘટના સામે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે તેમ જ દોષીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગણી કરી હતી.

પ્રતીકાત્મક તસવીર

પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં અફઘાનિસ્તાનના રાજદૂતની પુત્રી સિલસિલા અલિખિલનું અપહરણ કરવામાં આવ્યું હતું. અંદાજે ૩ કલાક બાદ તે ઘાયલ અવસ્થા‍માં મળી હતી. ઈલાજ માટે તેને હૉસ્પિટલમાં દાખલ કરાઈ હતી. પ્રાપ્ય જાણકારી મુજબ નજીબુલ્લાહ પાકિસ્તાનમાં અફઘાનિસ્તાનના રાજદૂત છે. તેમની ૨૭ વર્ષની પુત્રી શુક્રવારે બપોરે ૨.૩૦ કલાકે દૂતાવાસમાંથી નીકળી હતી. 
તે ટૅક્સીમાં બેસીને શૉપિંગ કરવા જવા માગતી હતી. એ માટે તેણે કૅબ બુક કરી હતી. દરમ્યાન એક વ્યક્તિ જબરદસ્તી કૅબમાં ઘૂસી આવી હતી. કાર-ડ્રાઇવરે એ સામે વાંધો ઉઠાવ્યો હતો. દરમ્યાન તે વ્યક્તિ બરાડા પાડવા લાગી અને કહ્યું કે તારા પિતાજી કમ્યુનિસ્ટ છે, અમે તેને છોડીશું નહીં. આવું કહીને તે વ્યક્તિએ યુવતીને માર મારવાની શરૂઆત કરી હતી, જેને કારણે સિલસિલા બેહોશ થઈ ગઈ હતી. 
જ્યારે તે ભાનમાં આવી ત્યારે સાંજના છ વાગ્યા હતા અને તે રસ્તા નજીક પડેલી હતી, જ્યાં આસપાસ કોઈ નહોતું. તેના હાથ અને પગ બાંધેલા હતા. જાતે બંધનમુક્ત થઈને તે ઘરે પહોંચી હતી. તેનાં શૂઝ અને મોબાઇલ હજી મળ્યો નથી. 
અફઘાનિસ્તાનની સરકારે આ ઘટના સામે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે તેમ જ દોષીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગણી કરી હતી.

international news pakistan afghanistan