08 July, 2025 07:48 AM IST | Paris | Gujarati Mid-day Correspondent
સીન નદી
પૅરિસે સીન નદીને જાહેર જનતા માટે ખોલીને મોટી સફળતા મેળવી છે. હવે સામાન્ય લોકો આ નદીમાં તરી શકે છે. ૧૯૨૩ પછી પહેલી વાર આ નદી લોકોને તરવા માટે ખોલવામાં આવી છે. પહેલાં આ નદી ખૂબ ગંદી હતી. પૅરિસે એની સફાઈ પર લગભગ એક અબજ ડૉલર એટલે કે ૮૦૦૦ કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો છે. ૨૦૨૪ની ઑલિમ્પિક્સનું આયોજન કરવાની બિડ જીત્યા પછી અધિકારીઓએ ૨૦૧૬માં આ કામ શરૂ કર્યું હતું.
આ નદીનું સફાઈકામ ઘણાં વર્ષોથી ચાલી રહ્યું હતું, પરંતુ ૨૦૧૬માં પૅરિસે આ નદીને સાફ કરવાનું કામ ખંતથી શરૂ કર્યું હતું અને એ માટે એણે ૨૦૨૪માં ઑલિમ્પિક્સ રમતોનું આયોજન કરવાની બિડ જીતવી પડી હતી. છેલ્લાં ૧૦૦ વર્ષથી આ નદીમાં ગંદકી અને ગટરનું પાણી પડતું હતું જેને લીધે એમાં ખતરનાક બૅક્ટેરિયાનો વિકાસ થતો હતો. આ કારણસર ૧૯૨૩માં લોકોને આ નદીમાં તરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.