28 February, 2026 11:31 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
વૉશિંગ્ટનસ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ટરનૅશનલ ફાઇનૅન્સ (IIF)ના લેટેસ્ટ અહેવાલ અનુસાર ૨૦૨૫માં વૈશ્વિક દેવું રેકૉર્ડ ૩૪૮ ટ્રિલ્યન ડૉલર સુધી પહોંચી ગયું છે. કોરોના મહામારી બાદ આ દેવાંમાં સતત વધારો થઈ રહ્યો છે, જેમાં અમેરિકા અને ચીનનું સૌથી વધારે યોગદાન છે. અમેરિકા અને ચીનનું દેવું સતત વધી રહ્યું છે અને એક વર્ષમાં ૨૯ ટ્રિલ્યન ડૉલર જેટલું વધ્યું છે. એમાં ૧૦ ટ્રિલ્યન ડૉલરની સરકારી ઉધારી રહી છે. અમેરિકા, ચીન અને યુરોપ વિસ્તારમાં કુલ દેવાંમાં ત્રણ-ચતુર્થાંશ હિસ્સો છે જેને કારણે વૈશ્વિક નાણાકીય સંતુલન પર દબાણ વધી ગયું છે.
અમેરિકા પર સૌથી વધારે દેવું છે અને એકલું અમેરિકા વૈશ્વિક એક-તૃતીયાંશ દેવા માટે જવાબદાર છે. એનું દેવું GDPના ૧૨૨ ટકાથી પણ વધારે થઈ ગયું છે. અમેરિકાનું વધતું દેવું વૈશ્વિક આર્થિક અસ્થિરતા લાવવા માટે જોખમ બની શકે છે. સંસ્થાએ અમેરિકાને અસરકારક નાણાકીય પગલાં લેવાની સલાહ આપી છે. અમેરિકાના પ્રેસિડન્ટ ટ્રમ્પે ટૅરિફ લગાવ્યા છતાં એની સ્થિતિ સુધરી નથી.
ચીનમાં સરકારી દેવું GDPના ૮૮.૪ ટકાથી વધીને ૯૬.૮ ટકાએ પહોંચી ગયું છે. ચીન બીજા સ્થાને છે અને એનું દેવું ૧૮.૬૮ ટ્રિલ્યન ડૉલર છે.