31 December, 2025 06:52 AM IST | United States Of America | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
અમેરિકાની મોટી થિન્ક-ટૅન્ક કાઉન્સિલ ઑન ફૉરેન રિલેશન્સ (CFR)એ સંભાવના જતાવી છે કે ૨૦૨૬માં ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરીથી યુદ્ધ થઈ શકે છે. CFRના રિપોર્ટ ‘કૉન્ફ્લિક્ટ્સ ટુ વૉચ ઇન 2026’ અનુસાર કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિઓ વધવાને કારણે બન્ને દેશો વચ્ચે ભીષણ સંઘર્ષ થવાની સંભાવના છે. જો ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ-સંઘર્ષ થશે તો એની અસર અમેરિકાનાં હિતો પર પણ પડી શકે છે. અત્યારે જમ્મુ-કાશ્મીરમાં કોઈ મોટો આતંકી હુમલો નથી થયો, પરંતુ ખુફિયા સૂત્રો અનુસાર શિયાળામાં જમ્મુ ક્ષેત્રમાં ૩૦થી વધુ પાકિસ્તાની આતંકવાદીઓ સક્રિય છે.
૨૦૨૫ની ૧૦ મેના રોજ યુદ્ધવિરામ થયા પછી પણ ભારત અને પાકિસ્તાને હથિયારોની ખરીદી કરવાનું વધારી દીધું છે. ભારતમાં ડિફેન્સ ઍક્વિઝિશન કાઉન્સિલ (DAC)એ હાલમાં જ ૭૯,૦૦૦ કરોડ રૂપિયાના રક્ષા-સોદાને મંજૂરી આપી છે જેમાં ડ્રોન, ઍર-ટુ-ઍર મિસાઇલ અને ગાઇડેડ બૉમ્બ સામેલ છે. બીજી તરફ પાકિસ્તાને ટર્કી અને ચીન પાસેથી નવાં ડ્રોન અને ઍર ડિફેન્સ સિસ્ટમ ખરીદવા માટે વાતચીત શરૂ કરી છે જેથી ઑપરેશન સિંદૂર દરમ્યાન જોવા મળેલી પોતાની નબળાઈઓ દૂર કરી શકાય.