પાકિસ્તાનમાં વીજસંકટને કારણે ઇન્ટરનેટ બંધ થઈ શકે

02 July, 2022 09:10 AM IST  |  Islamabad | Gujarati Mid-day Correspondent

આ વીજ સંકટનો ઉકેલ લાવવા માટે પાકિસ્તાને સરકારી કર્મચારીઓ માટે કામકાજના કલાકો ઘટાડ્યા છે

પ્રતીકાત્મક તસવીર

ઇસ્લામાબાદ: પાકિસ્તાનમાં વીજ સંકટ ઘેરાયું છે અને હવે એના લીધે લોકોની મુશ્કેલીઓ વધશે કેમ કે ટેલિકૉમ કંપનીઓએ ગુરુવારે તેમની મોબાઇલ અને ઇન્ટરનેટ સર્વિસિસ બંધ કરી દેવાની ચેતવણી આપી હતી.

નૅશનલ ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી બોર્ડે ટ્વિટર પર જણાવ્યું હતું કે ‘પાકિસ્તાનમાં ટેલિકૉમ કંપનીઓએ કલાકો સુધી દેશવ્યાપી પાવરકાપના કારણે મોબાઇલ અને ઇન્ટરનેટ સર્વિસ બંધ કરી દેવાની ચેતવણી આપી છે, કેમ કે વારંવાર પાવરકાપના કારણે તેમની કામગીરીમાં સમસ્યાઓ આવી રહી છે અને અવરોધ ઊભા થઈ રહ્યા છે.’

દરમ્યાનમાં પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે દેશને જુલાઈમાં લોડશેડિંગમાં વધારાની ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે ‘પાકિસ્તાન જરૂરી લિક્વિફાઇડ નૅચરલ ગૅસની સપ્લાય મેળવી શક્યું નથી. જોકે ગઠબંધન સરકાર એના માટે કોશિશ કરી રહી છે.’

પાકિસ્તાન વીજ ઉત્પાદન માટે લિક્વિફાઇડ નૅચરલ ગૅસ ખરીદવા માટે સંઘર્ષ કરી રહ્યું છે. આ વીજ સંકટનો ઉકેલ લાવવા માટે પાકિસ્તાને સરકારી કર્મચારીઓ માટે કામકાજના કલાકો ઘટાડ્યા છે તેમ જ જુદાં-જુદાં શહેરોમાં શૉપિંગ મૉલ્સથી લઈને ફૅક્ટરીઓને વહેલા બંધ કરવાનો આદેશ આપ્યો છે.

international news pakistan