રાડાનું આ તો ટ્રેલર છે, પિક્ચર અભી બાકી હૈ

25 August, 2021 08:25 AM IST  |  Mumbai | Viral Shah

ગઈ કાલની ઘટના વિશે મહારાષ્ટ્રની રાજનીતિને બહુ જ નજીકથી જોનારા રાજકીય પંડિતોનું કહેવું છે કે કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેની ધરપકડ તો આવતા વર્ષે યોજાનારી મુંબઈ સહિતની મહાનગરપાલિકાઓની ચૂંટણી પહેલાં બીજેપી-શિવસેના વચ્ચે થનારા રાડાઓની શરૂઆત છે

કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેના જુહુ તારા રોડ, સાંતાક્રુઝ વેસ્ટમાંના ઘર તરફ કૂચ કરી રહેલા શિવસેનાના કાર્યકરો અને બીજેપી કાર્યકરો વચ્ચે ગઈ કાલે મારપીટ થઈ હતી. પોલીસે પણ લાઠીઓ ચલાવી હતી. (તસવીર : સમીર માર્કન્ડે)

રાજ્યના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે માટે અપશબ્દો બોલનારા કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેની ગઈ કાલે ધરપકડ થયા બાદ આગામી દિવસોમાં શિવસેના-બીજેપી વચ્ચેનો ઝઘડો વધુ તીવ્ર થવાની શક્યતા રાજનીતિના જાણકારો વ્યક્ત કરી રહ્યા છે. નારાયણ રાણેને આવતા વર્ષે થનારી મુંબઈ સહિતની મહાનગરપાલિકાઓ અને જિલ્લા પરિષદોની ચૂંટણીમાં શિવસેનાને ટક્કર આપવા માટે કેન્દ્રીય પ્રધાન બનાવ્યા હોવાનું કહેવાય છે. એટલું જ નહીં, તેમને મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી જિતાડી આપવાના મિશન સાથે મેદાનમાં ઉતારવામાં આવ્યા હોવાનું કહેવાય છે.

રાજનીતિના જાણકારોનું તો ત્યાં સુધી કહેવું છે કે આવતા વર્ષે થનારી ચૂંટણીઓ પહેલાં આવું ઘણી વાર જોવા મળે તો નવાઈ નહીં. આમ તો બીજેપી તરફથી સત્તાવાર રીતે આ આખા એપિસોડમાં નારાયણ રાણેના સ્ટેટમેન્ટને અમે સપોર્ટ નથી કરતા, પણ નારાયણરાવ રાણે સાથે આખી બીજેપી ઊભી છે એવું કહેવામાં આવી રહ્યું છે. ગઈ કાલે સવારે દેશના ગૃહપ્રધાન અમિત શાહે નારાયણ રાણેને ફોન કરીને આ બાબતે નારાજગી વ્યક્ત કરી હોવાનું પણ કહેવાય છે. વીસ વર્ષ બાદ દેશમાં કૅબિનેટ દરજ્જાના કેન્દ્રીય પ્રધાનની ધરપકડ થઈ હોવાનો કિસ્સો બન્યો છે.

આખા ઘટનાક્રમ વિશે પૉલિટિકલ ઍનલિસ્ટ અભય દેશપાંડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આવા બધા વિવાદો કરીને બીજેપી શિવસેનાને ટ્રૅપમાં લેવા માગે છે, પણ આ કેસમાં ઊલટું શિવસેનાના કાર્યકરો એકદમ ફૉર્મમાં આવી ગયા છે જે શિવસેના માટે આગામી મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી લડવા માટે જરૂરી છે. આ મામલો ક્યાં સુધી જાય છે એના પર આગામી ચાલ નિર્ભર કરે છે. હું આને બીજેપી-શિવસેના કરતાં રાણે-શિવસેના વચ્ચેનો વાદ કહીશ. શિવસેનાને આનો ફાયદો મળે છે કે નહીં એ તો સમય જ કહેશે, પણ હવે આવા ઝઘડાઓ જ્યાં સુધી સુધરાઈની ચૂંટણી નહીં થાય ત્યાં સુધી જોવા મળી શકે છે. રાજ્યમાં ત્રણ પાર્ટીની સરકારને પાડવા માટે બીજેપી સતત કોશિશ કરી રહી છે, પણ એમાં હજી એને સફળતા નથી મળી. મને લાગે છે કે આવા બધા વિવાદો કરીને તેઓ રાજ્યમાં કાયદો-વ્યવસ્થા પડી ભાંગી હોવાનું પ્રૂવ કરીને રાષ્ટ્રપતિ શાસન લગાવવાની વેતરણમાં હોવા જોઈએ. આ પહેલાં પણ તેમણે આવી કોશિશ કરી છે.’

અભય દેશપાંડેની વાતને આગળ લઈ જતાં બીજા એક રાજકીય વિશ્લેષક અમેય તિરોડકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘નારાયણ રાણેને આવતા વર્ષે યોજાનારી ૨૬ જિલ્લા પરિષદ અને ૨૧ મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં શિવસેના સામે શિંગડાં ભરાવવાની સ્પષ્ટ સૂચના સાથે કેન્દ્રીય પ્રધાન બનાવવામાં આવ્યા છે. જોકે સોમવારે નારાયણ રાણે તેમને આપવામાં આવેલી બ્રીફને ક્રૉસ કરી ગયા હતા. તેમણે એક મુખ્ય પ્રધાન માટે અપશબ્દો કહ્યા હોવાથી લોકો સમક્ષ બીજેપીની છબિ બગડી છે અને શિવસેના માટે જે જરૂરી હતું એ એમનો કાર્યકર્તા એકદમ લડાયક મૂડમાં આવી ગયો છે. આ કાર્યવાહી કરીને શિવસેનાએ બીજેપી અને એના કાર્યકર્તા બન્નેને મેસેજ આપ્યો છે. એણે બીજેપીને કહી દીધું છે કે તમે ગમે એટલી ટીકા કરશો તો પણ અમને કોઈ ફરક નથી પડતો, કારણ કે સરકાર અમારી છે અને અમે જરૂર પડે એલફેલ બોલનારાની અરેસ્ટ પણ કરી શકીએ છીએ. બીજી બાજુ શિવસૈનિકોને પણ સંદેશો આપ્યો છે કે નારાયણ રાણે કે બીજા કોઈ પણ નેતાઓથી આગામી ચૂંટણીમાં જરાય ડરવાની જરૂર નથી. આગળ આવી ઘણી લડાઈઓ આપણને જોવા મળશે, પણ આ એપિસોડમાં બૅકફૂટ પર હોવાથી બીજેપી એને ખેંચવાને બદલે બીજા મુદ્દાઓ પકડીને સરકારને ઘેરવાની યોજના બનાવે એવું લાગી રહ્યું છે.’

નારાયણ રાણે શું બોલ્યા હતા?

કેન્દ્રમાં માઇક્રો, સ્મૉલ ઍન્ડ મીડિયમ એન્ટરપ્રાઇજીસ ખાતાના પ્રધાન નારાયણ રાણેએ સોમવારે રાયગડ જિલ્લામાં જન આશીર્વાદ યાત્રા વખતે કહ્યું હતું કે ‘બહુ જ શરમજનક કહેવાય કે મુખ્ય પ્રધાનને આઝાદીને કેટલાં વર્ષ થયાં એ ખબર નથી. તેમણે પોતાની સ્પીચ દરમ્યાન આઝાદીને કેટલાં વર્ષ થયાં છે એ પાછળ વળીને પૂછવું પડ્યું હતું. જો હું ત્યાં હોત તો તેને એક કાન નીચે વગાડી હોત.’

mumbai mumbai news bharatiya janata party shiv sena narayan rane viral shah