12 September, 2026 08:49 AM IST | Miami | Gujarati Mid-day Correspondent
આ લોકો મૃત હાલતમાં મળી આવ્યાં હતાં
રહસ્યમય રીતે વિમાનો અને જહાજો ગુમ થવા માટે કુખ્યાત એવા ઍટલાન્ટિક મહાસાગરના બર્મુડા ટ્રાયેન્ગલમાં સોમવારે એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતાં અેમાં એક અમેરિકન દંપતી અને તેમનાં પૌત્ર-પૌત્રીએ જીવ ગુમાવ્યો હતો. આ વિમાન ૪૦ વર્ષનો ઉડ્ડયન અનુભવ ધરાવતા ૮૦ વર્ષના મારિયો લામર ઉડાવી રહ્યા હતા. તેમની સાથે તેમની ૭૯ વર્ષની પત્ની તથા ૨૮ અને બાવીસ વર્ષનાં પૌત્ર-પૌત્રી સવાર હતાં. સોમવારે સવારે ૧૧.૧૫ વાગ્યે બહામાસના ગ્રેટ હાર્બર કેથી માયામી એક્ઝિક્યુટિવ ઍરપોર્ટ માટે વિમાન રવાના થયું હતું. મંગળવારે બહામાસના સૌથી મોટા ઍન્ડ્રોસ ટાપુ નજીક વિમાન ક્રૅશ થયા બાદ તેઓ મૃત હાલતમાં મળી આવ્યાં હતાં.
પાંચ બેઠકો ધરાવતું પાઇપર PA-34 વિમાન સોમવારે બહામાસથી માયામી આવી રહ્યું હતું ત્યારે વિમાનનો ઍર ટ્રાફિક કન્ટ્રોલ સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. લામર દંપતી બહામાસના ગ્રેટ હાર્બર કેમાં એક ઘર ધરાવે છે અને નિયમિતપણે ત્યાં ઉડાન ભરતાં હતાં.