13 September, 2025 10:01 AM IST | Toronto | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
કૅનેડાએ પહેલી વાર સત્તાવાર રીતે એની ધરતી પર ખાલિસ્તાની આતંકવાદી જૂથોની હાજરી સ્વીકારી છે. કૅનેડાના નાણાવિભાગના નવા મૂલ્યાંકનમાં બબ્બર ખાલસા ઇન્ટરનૅશનલ અને ઇન્ટરનૅશનલ સિખ યુથ ફેડરેશનને કૅનેડિયન સ્રોતોમાંથી ભંડોળ મેળવતાં આતંકવાદી સંગઠનો તરીકે ઓળખવામાં આવ્યાં છે.
નાણામંત્રાલય દ્વારા પ્રકાશિત 2025 અસેસમેન્ટ ઑફ મની-લૉન્ડરિંગ ઍન્ડ ટેરરિસ્ટ ફાઇનૅન્સિંગ રિસ્ક્સ ઇન કૅનેડા નામના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે કાયદાના અમલીકરણ અને ગુપ્તચર એજન્સીઓએ અવલોકન કર્યું છે કે પૉલિટિકલી મોટિવેટેડ વાયલન્ટ એક્સ્ટ્રીમિઝમ (PMVE- રાજકીય રીતે પ્રેરિત હિંસક આતંકવાદ) હેઠળ વર્ગીકૃત કરાયેલાં ખાલિસ્તાનતરફી જૂથોને કૅનેડા સ્થિત વ્યક્તિઓ અને નેટવર્ક્સ તરફથી નાણાકીય સહાય મળે છે. આ જૂથોમાં બબ્બર ખાલસા ઇન્ટરનૅશનલ અને ઇન્ટરનૅશનલ સિખ યુથ ફેડરેશનનો સમાવેશ થાય છે અને એ બન્ને કૅનેડાના ક્રિમિનલ કોડ હેઠળ આતંકવાદી સંગઠન જાહેર થયાં છે.
આ જૂથો એક સમયે કૅનેડામાં વ્યાપક ભંડોળ ઊભું કરવાનું નેટવર્ક ધરાવતાં હતાં. અત્યારે આ સંગઠનો કોઈ એક સંગઠન સાથે જોડાયા વિના ખાલિસ્તાનના હેતુને ટેકો આપતી વ્યક્તિઓના નાનાં-નાનાં જૂથો દ્વારા કાર્ય કરી રહ્યાં છે. કૅનેડાની સરકારે ચેતવણી આપી હતી કે આતંકવાદી ભંડોળ ઊભું કરવાથી કૅનેડાની રાષ્ટ્રીય સુરક્ષા અને પ્રતિષ્ઠા પર ગંભીર જોખમ ઊભાં થાય છે. એ દેશની આંતરરાષ્ટ્રીય સ્થિતિને નુકસાન પહોંચાડી શકે છે અને દેશ-વિદેશમાં કૅનેડિયન સંસ્થાઓમાં વિશ્વાસ ઘટાડી શકે છે.