ચીન સરહદ વિસ્તારમાં મકાનો બનાવવા ‘જમીન સરહદ કાયદો’ બનાવતાં વિવાદ

26 October, 2021 09:42 AM IST  |  Beijing | Gujarati Mid-day Correspondent

ચીને શનિવારે સંસદમાં આ કાયદો પસાર પણ કરી નાખ્યો છે

પ્રતીકાત્મક તસવીર

ભારત સાથે વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે ચીને શનિવારે દેશની સંપ્રભુતા અને ક્ષેત્રીય અખંડતાને પવિત્ર ગણાવી સરહદીય વિસ્તારોમાં સંરક્ષણ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા સંસદમાં એક નવો જમીન સરહદ કાયદો બનાવ્યો છે. ચીને શનિવારે સંસદમાં આ કાયદો પસાર પણ કરી નાખ્યો છે. આ કાયદાની અસર ભારત સાથે બીજિંગના સરહદ વિવાદ પર પડી શકે છે. ચીન આ કાયદા હેઠળ સરહદની સુરક્ષા મજબૂત કરવા, આર્થિક તથા સામાજિક વિકાસ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવશે. દરમ્યાન ભારતીય સૈન્યના ટોચના કમાન્ડર્સ ચીન સાથે એલએસી પર દેશના સલામતી પડકારોની સમીક્ષા કરશે. ચીનની સરકારી સમાચાર એજન્સી શિન્હુઆના અહેવાલ મુજબ નૅશનલ પીપલ્સ કૉન્ગ્રેસની સ્થાયી સમિતિના સભ્યોએ શનિવારે સંસદની સમાપન-બેઠક દરમ્યાન આ કાયદાને મંજૂરી આપી છે. આ કાયદો આગામી વર્ષે ૧ જાન્યુઆરીથી અમલમાં આવશે.

નવા કાયદાનો આશય સરહદી શહેરોના બાંધકામ તેમ જ સરહદી વિસ્તારોમાં બાંધકામની ક્ષમતા વધારવા રાજ્યને સહાય કરવાનો છે. ઉલ્લેખનીય છે કે ચીને તાજેતરનાં વર્ષોમાં અરુણાચલ પ્રદેશની સરહદ નજીક તિબેટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત બનાવ્યું છે અને તિબેટમાં બુલેટ ટ્રેન પણ શરૂ કરી છે.

ચીનના આ કાયદા મુજબ દેશ સમાનતા, પરસ્પર વિશ્વાસ અને મિત્રતાપૂર્ણ વાટાઘાટોના સિદ્ધાંતોનું પાલન કરતા પાડોશી દેશો સાથે જમીન સરહદ સંબંધી મુદ્દાઓનો ઉકેલ લાવશે અને ઘણા સમયથી અનામત સરહદ સંબંધી મુદ્દાઓ અને વિવાદોના યોગ્ય સમાધાન માટે વાટાઘાટો હાથ ધરશે. ભારત અને ચીન વચ્ચે સરહદ વિવાદ વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર ૩૪૮૮ કિલોમીટરના ક્ષેત્રમાં છે, જ્યારે ભુતાન સાથે ચીનનો વિવાદ માત્ર ૪૦૦ કિલોમીટરની સરહદ વિશે છે.

વિદેશસચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ ગયા સપ્તાહે કહ્યું હતું કે પૂર્વીય લદાખમાં એલએસી પરના ઘટનાક્રમની સરહદી ક્ષેત્રોમાં શાંતિ પર ગંભીર રીતે અસર થઈ છે અને સ્વાભાવિક રીતે એની બન્ને દેશોના દ્વિપક્ષી સંબંધો પર પણ અસર થઈ છે.

international news china