20 January, 2026 09:29 AM IST | China | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ચીનના સ્ટૅટિસ્ટિક્સ બ્યુરોના ડેટા મુજબ જન્મદર નીચા સ્તરે પહોંચતાં ચીનની વસ્તી ૨૦૨૫માં સતત ચોથા વર્ષે ઘટી હતી. નિષ્ણાતોએ હજી વધુ ઘટાડાની ચેતવણી આપી હતી. દેશની વસ્તીમાં ૩૩.૯નો ઘટાડો થયો છે અને એ ૧.૪૦૫ અબજ થઈ ગઈ જે ૨૦૨૪ કરતાં વધુ ઝડપી ઘટાડો છે, જ્યારે કુલ જન્મસંખ્યા ૨૦૨૫માં ૭૯.૨ લાખ હતી જે ૨૦૨૪ના ૯૫.૪ લાખથી ૧૭ ટકા ઓછી છે. ચીનના નૅશનલ બ્યુરો ઑફ સ્ટૅટિસ્ટિક્સ (NBS)ના આંકડા દર્શાવે છે કે કુલ મૃત્યુનો આંકડો ૨૦૨૪માં ૧.૦૯ કરોડથી વધીને ૧.૧૧ કરોડ થયો છે.
૨૦૨૨થી ચીનની વસ્તી ઘટી રહી છે અને એ ઝડપથી વૃદ્ધ થઈ રહી છે. NBSના ડેટા દર્શાવે છે કે ૬૦ વર્ષથી વધુ ઉંમરના લોકોની સંખ્યા કુલ વસ્તીના લગભગ ૨૩ ટકા સુધી પહોંચી ગઈ છે. ૨૦૩૫ સુધીમાં ૬૦ વર્ષથી વધુ ઉંમરના લોકોની સંખ્યા ૪૦૦ મિલ્યન સુધી પહોંચવાની તૈયારીમાં છે જે અમેરિકા અને ઇટલીની સંયુક્ત વસ્તી જેટલી જ છે. ચીને પહેલાંથી જ નિવૃત્તિ વયમાં વધારો કર્યો છે, જેમાં પુરુષો હવે ૬૦ની જગ્યાએ ૬૩ વર્ષની ઉંમર સુધી અને સ્ત્રીઓ પંચાવનની જગ્યાએ ૫૮ વર્ષની ઉંમર સુધી કામ કરે એવી અપેક્ષા છે.