14 April, 2025 07:19 AM IST | China | Gujarati Mid-day Correspondent
હુઆજિયાંગ ગ્રૅન્ડ કૅન્યન બ્રિજ
ચીન જૂન મહિનામાં હુઆજિયાંગ ગ્રૅન્ડ કૅન્યન બ્રિજ ખુલ્લો મૂકશે જે દુનિયાનો સૌથી ઊંચો બ્રિજ છે. આ બ્રિજથી ગ્રામીણ એવા આ વિસ્તારમાં એક કલાકનો પ્રવાસ એક જ મિનિટમાં કરવો શક્ય બનશે. બે માઇલ (આશરે ૩.૧૨ કિલોમીટર)નો આ બ્રિજ ખીણ પર બાંધવામાં આવ્યો છે જેની પાછળ આશરે ૨૨૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. આ બ્રિજ દુનિયાના સૌથી ઊંચા આઇફલ ટાવર કરતાં ૨૦૦ મીટર ઊંચો છે. એનું વજન આઇફલ ટાવર કરતાં ત્રણગણું વધારે છે. ચીનના ઉત્કૃષ્ટ એન્જિનિયરિંગનો એ નમૂનો છે અને આ વિસ્તારમાં ટૂરિઝમને વેગ આપશે.
આ બ્રિજ બાંધવામાં ૨૨,૦૦૦ ટન સ્ટીલનો વપરાશ થયો છે અને આ માળખું બે મહિનામાં ફિટ કરી દેવામાં આવ્યું છે. ચીનના ગ્રામીણ વિસ્તારમાં આ મહત્ત્વપૂર્ણ લિન્ક પૂરી પાડશે અને પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. આ બ્રિજ પર ચાલવા માટે કાચનો રસ્તો અને દુનિયાનું સૌથી ઊંચું બંજી જમ્પિંગ ઊભું કરવાની પણ યોજના છે.
જ્યાં આ બ્રિજ બાંધવામાં આવ્યો છે એ વિસ્તારમાં ચીનના સૌથી ઊંચા ૧૦૦માંથી આશરે ૫૦ બ્રિજ બાંધવામાં આવ્યા છે. ૨૦૧૬માં ચીનમાં સૌથી ઊંચો બ્રિજ બેઇપંજિયાંગમાં બાંધવામાં આવ્યો હતો જેની ઊંચાઈ ૧૮૫૪ ફુટ હતી.