13 August, 2026 08:39 AM IST | Bogotá | Gujarati Mid-day Correspondent
કોલંબિયામાં ધરતીકંપના બે દિવસ પછી કાટમાળમાંથી જીવતું મળ્યું નવજાત બાળક
સાઉથ અમેરિકન દેશ કોલંબિયામાં સોમવારે આવેલા ૭.૪ તીવ્રતાના ધરતીકંપના લગભગ ૪૮ કલાક પછી એક નવજાત બાળક બિલ્ડિંગના કાટમાળમાંથી જીવતું મળી આવ્યું હતું. પાંચ માળના રહેણાક બિલ્ડિંગના કાટમાળમાં બાળક એક યુવકની સાથે ફસાયેલું હતું. બુધવારે એટલે કે ઘટનાના ત્રીજા દિવસે જ્યારે સર્ચ-ઑપરેશન ચાલી રહ્યું હતું ત્યારે રેસ્ક્યુ-ટીમને કાટમાળની નીચેથી એક માણસનો અવાજ સંભળાયો. તેણે કહ્યું હતું, ‘હા… હું અહીં છું. મારી સાથે એક નવજાત બાળક છે.’
એ અવાજ સાંભળ્યા પછી રેસ્ક્યુ-ટીમે હાથેથી કાટમાળ હટાવવાનું શરૂ કર્યું હતું. અંદર ફસાયેલા યુવાને ટીમને હિન્ટ આપીને ગાઇડ કરી હતી. આખરે એક ભારે કૉન્ક્રીટના સ્લૅબ નીચેથી પહેલાં બાળકને કાઢવામાં આવ્યું હતું. બાળકનું માથું ભૂરું પડી ગયેલું જણાતું હતું કેમ કે અંદર શ્વાસ લેવાનું મુશ્કેલ હતું. બાળકને કાઢ્યા પછી સ્લૅબનો કેટલોક ભાગ કાપીને અંદર ફસાયેલા યુવકને પણ બહાર કાઢી લેવાયો હતો. બન્નેની હાલત નાજુક હોવાનું કહેવાય છે.