07 January, 2026 11:14 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
ડેન્માર્કનાં વડાં પ્રધાન મેટે ફ્રૅડરિકસન
અમેરિકાના ડોનલ્ડ ટ્રમ્પ આપખુદશાહી પર ઊતરી આવ્યા છે અને વેનેઝુએલા પછી ગ્રીનલૅન્ડ, ક્યુબા અને કોલંબિયા જેવા દેશોને ધમકાવી રહ્યા છે ત્યારે ડેન્માર્કનાં વડાં પ્રધાન મેટે ફ્રૅડરિકસને પણ ટ્રમ્પને ચીમકી આપતાં કહ્યું હતું કે જો અમેરિકા ગ્રીનલૅન્ડ પર કબજો જમાવવાની કોશિશ કરશે તો NATO (નૉર્થ ઍટ્લાન્ટિક ટ્રીટી ઑર્ગેનાઇઝેશન) સૈન્ય ગઠબંધનનો અંત આવી જશે.
ડેન્માર્ક સહિત યુરોપના ૭ દેશો ફ્રાન્સ, જર્મની, ઇટલી, પોલૅન્ડ, સ્પેન અને બ્રિટનના નેતાઓએ સાફ કહ્યું છે કે ગ્રીનલૅન્ડ એ ત્યાં રહેતા લોકોનું છે; ગ્રીનલૅન્ડ અને ડેન્માર્ક સાથે સંકળાયેલા નિર્ણયો લેવાનો હક માત્ર ગ્રીનલૅન્ડ અને ડેન્માર્કને છે.
ડેન્માર્ક અને અમેરિકા બન્ને NATOના મેમ્બર છે. તમામ મેમ્બરોની સંપ્રભુતા અને સુરક્ષાની ગૅરન્ટી NATOની છે. જો કોઈ સદસ્ય દેશ બીજા વિરુદ્ધ સૈન્ય-કાર્યવાહી કરે છે તો એને આખા ગઠબંધનના દેશો પરનો હુમલો માનવામાં આવે છે.