નેપાલના જળપ્રકોપમાં મરણાંક ૬૭૫ થયો, ૨૪૨૬ લોકો મિસિંગ

30 August, 2026 10:15 AM IST  |  Nepal | Gujarati Mid-day Correspondent

ગઈ કાલે ૧૨૦ ભારતીયો ચીનથી નેપાલ પહોંચ્યા, હજી ૨૮૭ ભારતીયો અનટ્રેસેબલ

નેપાલ ઈમિગ્રેશન સેન્ટર

નેપાલમાં આવેલા જળપ્રકોપમાં આઠ અસરગ્રસ્ત જિલ્લાઓમાં મરણાંક ગઈ કાલે વધીને ૬૭૫ પહોંચ્યો હતો. નેપાલ સરકારે આપેલા આંકડા મુજબ હજી પણ ૨૪૨૬ લોકો મિસિંગ છે. ગઈ કાલે ૧૨૦ ભારતીયો ચીનથી નેપાલ પહોંચ્યા હતા. ગુમ થયેલા ભારતીયોની સંખ્યા ૨૮૭ છે, જ્યારે ભારતીય મૂળના ૧૨૮ નાગરિકો પણ અનટ્રેસેબલ છે. ૧૬૩ વિદેશીઓ સહિત લગભગ ૨૫૦૦ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે; જેમાં ૧૧૩ ભારતીયો, ૨૦ ચાઇનીઝ, ૧૫  સાઉથ કોરિયન, ૪ જર્મન, ૨-૨ ઇટલી અને અમેરિકા તથા એક ઓમાનિયન નાગરિકનો સમાવેશ છે. તૂટક-તૂટક વરસાદ વચ્ચે શોધ અને બચાવ કામગીરી ચાલુ છે. ૫૦૦૦થી વધુ નેપાલી સૈન્ય કર્મચારીઓ સહિત ૧૧૦૦૦થી વધુ સુરક્ષા-કર્મચારીઓને બચાવ-કામગીરી માટે તહેનાત કરવામાં આવ્યા છે.

મહારાષ્ટ્રના ૪૦૪માંથી ૩૩૮ લોકોને શોધી કાઢવામાં આવ્યા
મહારાષ્ટ્ર સરકારના અહેવાલ મુજબ અસરગ્રસ્ત નેપાલ-તિબેટ ક્ષેત્રમાં ફસાયેલા મહારાષ્ટ્રના ૪૦૪ લોકોમાંથી ૩૩૮ લોકોને શોધી કાઢવામાં આવ્યા છે અને સલામત હોવાની પુષ્ટિ કરવામાં આવી છે. એમાંથી ૩૭ લોકોને ભારત લાવવામાં આવ્યા છે, જ્યારે મુંબઈના ૬૦ પ્રવાસીઓ હજુ પણ અનટ્રેસેબલ છે. વિદેશમંત્રાલયે વધુ ઓળખ અને સંકલન માટે મહારાષ્ટ્રના ૧૪૯ રહેવાસીઓની વિગતો પણ રાજ્ય સરકાર સાથે શૅર કરી છે જે હાલમાં તિબેટમાં સુરક્ષિત છે.

international news world news nepal tibet china