ટ્રમ્પનો વિસ્ફોટક દાવો : ઈરાન એનું સમૃદ્ધ યુરેનિયમ અમેરિકાને સોંપવા માટે સંમત થયું છે

18 April, 2026 09:25 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

ડોનલ્ડ ટ્રમ્પે એવો પણ દાવો કર્યો હતો કે, અમેરિકાના ઈરાન સાથે ઘણા કરાર થયા છે

ડોનલ્ડ ટ્રમ્પની ફાઇલ તસવીર

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે એક વિસ્ફોટક દાવો કરતાં જણાવ્યું હતું કે ઈરાન એના સમૃદ્ધ યુરેનિયમનો પુરવઠો અમેરિકાને સોંપવા માટે સંમત થયું છે.
વાઇટ હાઉસની બહાર મીડિયા સાથેની વાતચીતમાં ટ્રમ્પે કહ્યું હતું કે ‘એ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે કે ઈરાન પાસે પરમાણુ શસ્ત્ર ન હોય અને તેઓ એના માટે સંમત થયા છે. ઈરાન ખૂબ જ મજબૂતાઈથી એના માટે સંમત થયું છે. તેઓ અમને ન્યુક્લિયર ડસ્ટ આપવા માટે સંમત થયા છે.’

ડોનલ્ડ ટ્રમ્પે એવો પણ દાવો કર્યો હતો કે ‘અમેરિકાના ઈરાન સાથે ઘણા કરાર થયા છે. બન્ને પક્ષો શાંતિકરારની ખૂબ નજીક છે. મને લાગે છે કે કંઈક ખૂબ જ સકારાત્મક થવાનું છે.’

ઈરાન સાથે કરાર થાય તો ટ્રમ્પ પાકિસ્તાન આવશે

અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે જો મધ્યપૂર્વમાં ઈરાન સાથે યુદ્ધ સમાપ્ત કરવા માટે કોઈ કરાર થાય તો હું પાકિસ્તાનના ઇસ્લામાબાદની મુલાકાત લઈ શકું છું, તેઓ મને પાકિસ્તાન બોલાવે છે. ટ્રમ્પે પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ અને આર્મી ચીફ આસિમ મુનીરની નિષ્ફળ શાંતિ વાટાઘાટો છતાં પ્રશંસા પણ કરી હતી.

united states of america iran crude oil donald trump international news world news news