01 March, 2026 09:40 AM IST | Pakistan | Gujarati Mid-day Correspondent
અફઘાનિસ્તાનના રક્ષા મંત્રાલયે જાહેર કરેલું પાકિસ્તાની સૈન્ય અડ્ડાઓની તબાહીનું ફુટેજ.
અફઘાનિસ્તાને પાકિસ્તાન પર કરેલા હવાઈ હુમલાથી થયેલા નુકસાનનો વિડિયો શૅર કર્યો, પાકિસ્તાનના પ્રધાને કર્યો ૩૩૦ અફઘાની લડાકુઓને માર્યાનો દાવો, અફઘાનિસ્તાને પંચાવન પાકિસ્તાની સૈનિકો ઠાર કર્યાનો દાવો
અફઘાનિસ્તાને શુક્રવારે પાકિસ્તાન પર કરેલા જડબાતોડ હવાઈ હુમલામાં બૉર્ડર પરની ૨૬ ચોકીઓ કબજે કરી હોવાનો દાવો કર્યો હતો. પાકિસ્તાનની ઍરસ્ટ્રાઇકના જવાબમાં તાલિબાન સરકારે ઉત્તર-પશ્ચિમી પાકિસ્તાનનાં સૈન્ય ઠેકાણાંઓ અને સુરક્ષાદળોને નિશાન બનાવીને ડ્રોન અને રૉકેટથી હુમલા કર્યા હતા. પાકિસ્તાને પણ ૩૩૦ અફઘાનીઓને માર્યા હોવાનો દાવો કર્યો હતો અને પોતાના ૧૪ સૈનિકો માર્યા ગયા હોવાનું કબૂલ્યું હતું. જોકે ગઈ કાલે અફઘાનિસ્તાનના રક્ષા મંત્રાલયે પોતાના દાવાઓના પુરાવા પણ રજૂ કર્યા હતા અને પાકિસ્તાન પર કરેલા હુમલામાં થયેલા નુકસાનનો વિડિયો જાહેર કર્યો હતો.
બે દેશો વચ્ચેના સંઘર્ષમાં અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ પાકિસ્તાનના સમર્થનમાં ઊતર્યા હતા અને કહ્યું હતું કે ‘પાકિસ્તાન બહુ સરસ કામ કરી રહ્યું છે. જરૂર પડ્યે હું એમાં હસ્તક્ષેપ કરીશ, પરંતુ પાકિસ્તાન સાથે અમારા ખૂબ જ સારા સંબંધ છે. તેમની પાસે શાનદાર વડા પ્રધાન અને સેનાપ્રમુખ છે.’
અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધમાં ગઈ કાલે અફઘાન દળોએ જલાલાબાદ પર એક પાકિસ્તાની ફાઇટર જેટને તોડી પાડ્યું હતું અને એના પાઇલટને જીવતો પકડ્યો હતો. આ મુદ્દે અફઘાન પોલીસના પ્રવક્તા તૈયબ હમ્માદે જણાવ્યું હતું કે જલાલાબાદ શહેરમાં એક પાકિસ્તાની ફાઇટર જેટને તોડી પાડવામાં આવ્યું હતું અને એના પાઇલટને જીવતો પકડવામાં આવ્યો હતો.
પૂર્વી અફઘાનિસ્તાનમાં સૈન્યના પ્રવક્તા વાહિદુલ્લા મોહમ્મદીએ પુષ્ટિ આપી કે પાકિસ્તાની જેટને અફઘાન દળોએ તોડી પાડ્યું હતું અને પાઇલટને જીવતો પકડી લેવામાં આવ્યો હતો.
સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું હતું કે તેમણે પાઇલટને બહાર નીકળતાં અને પૅરૅશૂટ દ્વારા નીચે ઊતરતાં જોયો હતો અને પછી તેને અટકાયતમાં લેવામાં આવ્યો હતો. જલાલાબાદ શહેરના ઍરપોર્ટ નજીક બે વિસ્ફોટ થયા હતા. દરમ્યાન, પાકિસ્તાને કહ્યું હતું કે અફઘાનિસ્તાનનો જેટ ક્રૅશનો દાવો સંપૂર્ણપણે ખોટો છે.