03 July, 2025 08:19 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
ડોનલ્ડ ટ્રમ્પ
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે ઇઝરાયલ ગાઝામાં ૬૦ દિવસના યુદ્ધવિરામને અંતિમ સ્વરૂપ આપવા માટે જરૂરી શરતો પર સંમત થયું છે.
આ મુદ્દે ટ્રમ્પે કહ્યું હતું કે તેમના પ્રતિનિધિઓએ મંગળવારે ઇઝરાયલના અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. ૬૦ દિવસના યુદ્ધવિરામનો હમાસ દ્વારા હજી સુધી સ્વીકાર કરવામાં આવ્યો નથી, તેઓ ગાઝામાં યુદ્ધનો અંત લાવવા માટે તમામ પક્ષો સાથે કામ કરશે. કતર અને ઇજિપ્તે શાંતિ લાવવામાં મદદ કરવા માટે ખૂબ જ સખત મહેનત કરી છે.
ડોનલ્ડ ટ્રમ્પે આશા વ્યક્ત કરી હતી કે હમાસ મિડલ-ઈસ્ટના ભલા માટે આ સોદો સ્વીકારશે. તેમણે પૅલેસ્ટીન જૂથને ચેતવણી આપી હતી કે પરિસ્થિતિ સુધરશે નહીં તો એ ફક્ત વધુ ખરાબ થશે.
ટ્રમ્પની આ જાહેરાત ૭ જુલાઈએ ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુની અમેરિકાની મુલાકાતના એક અઠવાડિયા કરતાં પણ ઓછા સમય પહેલાં આવી છે.