અમેરિકામાં બર્થ ટૂરિઝમ પર પ્રતિબંધ મૂક્યો ડોનલ્ડ ટ્રમ્પે

08 August, 2026 08:27 AM IST  |  Washington DC | Gujarati Mid-day Correspondent

સુપ્રીમ કોર્ટના અગાઉના આકરા ચુકાદા છતાં અમેરિકન પ્રમુખે બે નવા એક્ઝિક્યુટિવ ઑર્ડર સાઇન કરીને નવો કાયદાકીય માર્ગ અપનાવ્યો

ફાઇલ તસવીર

અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે ‘બર્થ ટૂરિઝમ’ એટલે કે અમેરિકી નાગરિકતા મેળવવાના હેતુથી અમેરિકામાં બાળકને જન્મ આપવા આવતી ગર્ભવતી મહિલાઓની પ્રથા પર કડક પ્રતિબંધ મૂકતા બે નવા એક્ઝિક્યુટિવ ઑર્ડર સાઇન કર્યા છે. આ આદેશ હેઠળ વીઝા રદ કરવાથી લઈને કાયમી દેશનિકાલ કરવા સુધીની સજાત્મક જોગવાઈઓ કરવામાં આવી છે.

થોડા સમય અગાઉ જ અમેરિકન સુપ્રીમ કોર્ટે ૧૪મા બંધારણીય સુધારા હેઠળ જન્મજાત નાગરિકતાને બંધારણીય અધિકાર ગણાવીને ડોનલ્ડ ટ્રમ્પના અગાઉના પ્રયાસને ફગાવી દીધો હતો. ટ્રમ્પે આ નિર્ણયને અત્યંત દુર્ભાગ્યપૂર્ણ ગણાવીને વિદેશી આતંકવાદી સંગઠનોના સભ્યો, વિદેશી સરકારના કર્મચારીઓ અને છેતરપિંડીથી નાગરિકતા મેળવનારા લોકોનાં બાળકોને આ અધિકારથી વંચિત રાખવા નવો કાયદાકીય પાસો ફેંક્યો છે.

આંકડા અનુસાર દર વર્ષે આશરે ૨૨,૦૦૦ થી ૨૬,૦૦૦ જેટલાં બાળકો આ પ્રથા હેઠળ જન્મે છે. નવા આદેશ મુજબ બર્થ ટૂરિઝમનો ગેરકાયદે કારોબાર ચલાવતા ઑપરેટર્સ સામે પણ આકરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે. બીજી તરફ અમેરિકન સિવિલ લિબર્ટીઝ યુનિયન (ACLU)એ આ આદેશને ગેરબંધારણીય ગણાવીને ફરીથી કોર્ટમાં પડકારવાની તૈયારી દર્શાવી છે. અમેરિકન ઇમિગ્રેશન નીતિ અને નાગરિકતા ક્ષેત્રે આ સમગ્ર કાયદાકીય ઘટનાક્રમ અત્યંત મહત્ત્વનો ગણાય છે.

નવા નિયમ હેઠળની કડક સજાત્મક જોગવાઈઓ

કાયમી પ્રવેશબંધી: ‘બર્થ ટૂરિઝમ’નો સહારો લેનારા લોકોને અમેરિકામાં પ્રવેશ કરવા પર કાયમી ધોરણે બૅન કરવામાં આવશે.

વીઝા-કૅન્સલેશન : આ પ્રવૃત્તિમાં સામેલ લોકોના તમામ પ્રકારના વર્તમાન વીઝા તાત્કાલિક અસરથી રદ કરી દેવાશે.

દેશનિકાલ: ભૂતકાળમાં પણ ‘બર્થ ટૂરિઝમ’ દ્વારા નાગરિકતા મેળવીને અમેરિકામાં રહેતા લોકોને શોધીને દેશમાંથી હાંકી કાઢવામાં આવશે.

ઑપરેટર્સ સામે કાર્યવાહી: ગર્ભવતી મહિલાઓને અમેરિકા લાવવાનો ગેરકાયદે કારોબાર અને રૅકેટ ચલાવતી એજન્સીઓ તથા ઑપરેટર્સ સામે આકરા કાયદાકીય પગલાં લેવાશે.

donald trump united states of america international news world news news