૯ વર્ષ પછી ટ્રમ્પ ચીનની મુલાકાતે પહોંચ્યા, ૩ દિવસ રોકાશે

14 May, 2026 02:25 PM IST  |  China | Gujarati Mid-day Correspondent

અબજોપતિ ઈલૉન મસ્ક, દીકરો અને વહુ પણ સાથે પહોંચ્યાં

બીજિંગ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર ડોનલ્ડ ટ્રમ્પ અને તેમના કાફલાનું સ્વાગત કરી રહેલા ચીનના ઉપરાષ્ટ્રપતિ હાન ઝેન્ગ. અમેરિકાના ઉદ્યોગપતિઓના પ્રતિનિધિમંડળમાં ઈલૉન મસ્ક પણ જોડાયા છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ નવ વર્ષ પછી ચીનની મુલાકાતે ગયા છે. ગઈ કાલે તેમનું વિમાન રાજધાની બીજિંગના ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર લૅન્ડ થયું હતું જ્યાં તેમને ચીનના ઉપરાષ્ટ્રપતિ હાન ઝેન્ગે રિસીવ કર્યા હતા. ટ્રમ્પનું ઍરફોર્સ વન વિમાન બીજિંગની ધરતી પર લૅન્ડ થયું એ દરમ્યાન ૩૦૦ બાળકો ભૂરા અને સફેદ રંગના યુનિફૉર્મમાં ઍરપોર્ટ પર મોજૂદ હતા અને તેઓ અમેરિકા અને ચીનના ઝંડા લહેરાવી રહ્યાં હતાં. ટ્રમ્પની સાથે તેમનો દીકરો એરિક ટ્રમ્પ અને વહુ લારા પણ હતાં.

આ યાત્રા દરમ્યાન ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને ટ્રમ્પ વચ્ચે આજે અને આવતી કાલે અલગ-અલગ તબક્કામાં વાતચીત થશે. બન્ને નેતાઓ વચ્ચે વેપાર, તાઇવાન, રૅર અર્થ મિનરલ્સ, આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ અને ઈરાન યુદ્ધ જેવા મુદ્દાઓ પર ચર્ચા થવાની સંભાવના છે. ૧૫ મે એટલે કે શુક્રવાર સુધી ટ્રમ્પ બીજિંગમાં રહેશે. 

૧૬ ઉદ્યોગપતિઓ પણ પહોંચ્યા

ટ્રમ્પની ચીનની યાત્રામાં તેમની સાથે અમેરિકાના બિઝનેસમેનોનું પ્રતિનિધિમંડળ પણ છે. એમાં ટિમ કુક અને ઈલૉન મસ્ક સહિત કુલ ૧૬ ઉદ્યોગપતિઓ સામેલ છે. વાઇટ હાઉસે ટ્રમ્પના વૉશિંગ્ટનથી રવાના થતાં પહેલાં ઉદ્યોગપતિઓની યાદી જાહેર કરી હતી. ચિપ કંપની એનવિડિયાના CEO જેનસન હુઆંગ ચીનની મુલાકાતમાં જોડાયા નથી. આ યાત્રામાં ૯ લાખ કરોડ રૂપિયાથી વધુના બોઇંગ વિમાનોની ડીલ થવાની સંભાવના છે.

૩ દિવસની મુલાકાત માટે ૩ મહિનાનું પ્લાનિંગ 

અમેરિકન પ્રેસિડન્ટ ટ્રમ્પ ૩ દિવસ માટે ચીન આવવાના હતા એની તૈયારીઓ ૩ મહિના પહેલાંથી શરૂ થઈ ગઈ હતી. તેમના સિક્યૉરિટી એજન્ટ્સ ૩ મહિના પહેલાં ચીન પહોંચી ગયા હતા. ટ્રમ્પ જ્યાં રોકવાના છે એની આસપાસના દરેક વિસ્તારની કડક તપાસ કરવામાં આવે છે. આસપાસના પાગલખાનાંઓ અને માનસિક રોગીઓની યાદી સુધ્ધાં બનાવીને તેમને દૂર રાખવાનું એન્શ્યૉર કરવામાં આવે છે. ૩ દિવસની મુલાકાત દરમ્યાન ઍરફોર્સ વન વિમાન રનવે પર હંમેશાં તૈયાર રહેશે. કોઈ પણ ક્ષણે ગણતરીની મિનિટોમાં એ ટેક-ઑફ કરી શકે છે. ટ્રમ્પની ધ બીસ્ટ કારમાં ટ્રમ્પના બ્લડગ્રુપવાળું લોહી પણ રાખવામાં આવે છે જેથી મેડિકલ ઇમર્જન્સીમાં ફાંફાં ન મારવાં પડે.

international news world news donald trump washington united states of america china