ઓમાઇક્રોનને સાદી શરદી ન સમજો, વિશ્વ આરોગ્ય સંસ્થાએ આપી ચેતવણી

06 January, 2022 10:04 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કોરોનાના આ વેરિઅન્ટની સમગ્ર શરીર પર વિપરીત અસર પડે છે, વળી એના ફેલાવાથી નવા વેરિઅન્ટનો પણ ખતરો છે જે આનાથી વધુ ઘાતક હોય એવું પણ બને

પ્રતીકાત્મક તસવીર

જિનીવા (આઇ.એ.એન.એસ.) : વિશ્વ આરોગ્ય સંસ્થા (હુ) એ ગઈ કાલે ચેતવણી આપતા કહ્યું હતું  કે ઓમાઇક્રોન સાદી શરદી જેવાં લક્ષણો ધરાવતું નથી તેથી એની અવગણના કરવી ન જોઈએ. ઓમાઇક્રોનનો શિકાર બનેલા દરદીઓમાં ઉધરસ, થાક, કળતર અને વહેતું નાક જેવાં લક્ષણો જોવા મળે છે. આ ઉપરાંત ઉબકા આવવા, ભૂખ ન લાગવી જેવાં લક્ષણો પણ ઉમેરી શકાય. સાઉથ આફ્રિકા, અમેરિકા અને બ્રિટનમાં થયેલા અભ્યાસ મુજબ ચેપી વેરિઅન્ટને કારણે લાગતો ચેપ સામાન્ય રીતે હળવો હોય છે. જેમાં હૉ​સ્પિટલમાં દાખલ થવાની ઓછી જરૂર પડે છે. 
હુના રોગચાળાનાં ડૉક્ટર મારિયા વાને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ‘ઓમાઇક્રોન સામાન્ય શરદી નથી. કેટલાક અહેવાલો અનુસાર ડેલ્ટાની તુલનામાં ઓમાઇક્રોનમાં હૉસ્પિટલમાં દાખલ થવાનું જોખમ ઓછું છે, તેમ છતાં ઘણા લોકો ચેપગ્રસ્ત છે. હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે અને ઓમાઇક્રોન અને ડેલ્ટાથી મરણ પામે છે.’ 
યુકેમાં ઓમાઇક્રોન વેરિઅન્ટને કારણે અંદાજે ૧૪ લોકો મરણ પામ્યા હતા, જ્યારે અમેરિકા અને સાઉથ કોરિયામાં એક-એક મરણ થયાં છે. મરનારાઓએ કોઈ પણ જાતની વૅક્સિન લીધી નહોતી. આરોગ્ય સંસ્થાના ચીફ સાયન્ટિસ્ટ સૌમ્યા સ્વામીનાથને કહ્યું હતું કે ઓમાઇક્રોન સાદી ઉધરસ નથી. સમગ્ર શરીર પર અસર પાડે છે, તેથી એની ચકાસણીની સિસ્ટમ હોવી જોઈએ. કારણ કે ઘણા બધા લોકો અચાનક આનાથી સંક્રમિત થાય છે. આપણે વૅક્સિનની સમાન વહેંચણી દ્વારા ચેપને ફેલાતો રોકી શકીએ છીએ. ઓમાઇક્રોન શ્વાસોચ્છવાસની પ્રક્રિયા પર અસર કરે છે પરંતુ અગાઉના વાઇરસ જેટલો તે ઘાતક નથી. વિશ્વ આરોગ્ય સંસ્થાએ કહ્યું હતું કે ઓમાઇક્રોન સમગ્ર વિશ્વમાં ફેલાઈ રહ્યો છે. વળી એનાથી નવો વેરિઅન્ટ જન્મે એવી શક્યતાને નકારી ન શકાય. વળી એ વેરિઅન્ટ વધુ ઘાતક પણ હોઈ શકે છે. 

world news coronavirus Omicron Variant