✕

કોંગોમાં લશ્કરી વિમાન દુર્ઘટનાગ્રસ્ત, બે સીનિયર જનરલ સહિત ૧૪ લોકોના મોત

26 September, 2026 09:01 AM IST  |  Kinshasa | Gujarati Mid-day Online Correspondent

DR Congo Military Plane Crash: ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોના ક્વાંગો પ્રાંતના કેંગે શહેરમાં રાજધાની કિન્શાાસા જઈ રહેલું એક સૈન્ય વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતાં વિમાનમાં સવાર તમામ ૧૪ લોકોના કરૂણ મોત નીપજ્યા છે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (Democratic Republic of Congo) ના ક્વાંગો (Kwango) પ્રાંતના કેંગે (Kenge) શહેરમાં સૈન્ય સંબંધિત વિમાન તૂટી પડતાં દેશના બે સૌથી ઉચ્ચ ક્રમાંકિત સૈન્ય ન્યાયિક અધિકારીઓ સહિત તમામ મુસાફરોના કરૂણ મોત નીપજ્યા છે. આ અકસ્માતે દેશમાં એવિએશન સેફ્ટી (વિમાન સુરક્ષા) સામે ફરી ગંભીર સવાલો ઊભા કર્યા છે. આ કરૂણ બનાવ એવા સમયે બન્યો છે જ્યારે કોંગોના સશસ્ત્ર દળો દેશના પૂર્વ વિસ્તારોમાં મોટા પાયે સુરક્ષા અભિયાન અને બળવાખોર જૂથો સામેની સૈન્ય કામગીરીમાં વ્યસ્ત છે.

ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોના ક્વાંગો પ્રાંતના કેંગે શહેરમાં શુક્રવારે એક સૈન્ય વિમાન દુર્ઘટનાગ્રસ્ત (DR Congo Military Plane Crash) થતાં બે ઉચ્ચ સૈન્ય અધિકારીઓ સહિત ઓછામાં ઓછા ૧૪ લોકોના મોત નીપજ્યા છે. નૈરઋત્ય કોંગોના કિકવિટ (Kikwit) શહેરથી રાજધાની કિન્શાાસા (Kinshasa) તરફ જઈ રહેલા આ વિમાનમાં મધ્ય આકાશમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી, જેના કારણે આ ગંભીર અકસ્માત સર્જાયો હતો.

સંરક્ષણ વિભાગના બે ઉચ્ચ અધિકારીઓના મોત

કોંગોના સૈન્ય સત્તાવાળાઓએ પુષ્ટિ કરી છે કે, આ અકસ્માતમાં દેશના બે ઉચ્ચ સ્તરિય જનરલોએ જીવ ગુમાવ્યા છે. મૃતકોમાં દેશની મિલિટરી કોર્ટના વડા લેફ્ટનન્ટ જનરલ મુતોમ્બો કટાલાય તિએન્ડે (Lt. Gen. Mutombo Katalayi Tiende) અને સશસ્ત્ર દળોના ઓડિટર જનરલ લેફ્ટનન્ટ જનરલ બાકુમી લિકુલિયા (Lt. Gen. Bakumi Likulia)નો સમાવેશ થાય છે.

કોંગોના લશ્કરી પ્રવક્તા મેજર જનરલ ઈફોમી એકેંગે (Maj. Gen. Efomi Ekenge) દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે કે, બે સિનિયર જનરલો ઉપરાંત સત્તાવાર ડેલિગેશનના સભ્યો અને ક્રૂ મેમ્બર્સ સહિત અન્ય ૧૨ લોકો પણ આ અકસ્માતમાં માર્યા ગયા છે.

ક્વાંગો પ્રાંતમાં ટેકનિકલ ખામી સર્જાતા ઈમરજન્સી લેન્ડિંગનો નિષ્ફળ પ્રયાસ

સ્થાનિક અને પ્રાંતિય અધિકારીઓના જણાવ્યા અનુસાર, વિમાન કિન્શાાસા પરત ફરી રહ્યું હતું ત્યારે હવામાં ગંભીર યાંત્રિક ખામી સર્જાઈ હતી. કેંગે નજીક ઈમરજન્સી લેન્ડિંગ માટે યોગ્ય એરસ્ટ્રિપ (રનવે) ઉપલબ્ધ ન હોવાને કારણે વિમાન જમીન પર પટકાઈને આગની લપેટમાં આવી ગયું હતું.

ઘટના બાદ (DR Congo Military Plane Crash) પહોંચેલી ઈમરજન્સી ટીમ અનુસાર, વિમાનનો કાટમાળ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો. ઘટનાના ચોક્કસ કારણો જાણવા માટે કોંગોના સૈન્ય અને સિવિલ એવિએશન ઓથોરિટી દ્વારા સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.

પ્રાદેશિક સુરક્ષાના પડકારો વચ્ચે મોટો ફટકો

પૂર્વ ક્ષેત્રોમાં સશસ્ત્ર બળવાખોર જૂથો સામે લડી રહેલી કોંગોની સેના માટે સૈન્ય ન્યાયતંત્ર અને સંરક્ષણ નેતૃત્વના બે ટોચના જનરલોને ગુમાવવા એ એક મોટો આઘાત માનવામાં આવે છે. બ્લેક બોક્સ અને વિમાનના કાટમાળની ટેકનિકલ તપાસ બાદ અકસ્માત અંગે વધુ વિગતો જાહેર કરવામાં આવશે.

africa accident international news world news news