08 September, 2026 02:41 PM IST | Paris | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ફ્રાન્સ (France) ના પ્રખ્યાત એફિલ ટાવર (Eiffel Tower)માં હાલ કર્મચારીઓએ હડતાળ પાડી છે. બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) સાથે જોડાયેલા લગભગ ૧૦૦ લોકોનું એક હિન્દુ ધાર્મિક પ્રતિનિધિમંડળ એફિલ ટાવરની મુલાકાતે પહોંચ્યું હતું, જેના વિરોધમાં આ હડતાળ કરવામાં આવી છે. આ જ દિવસે સંસ્થા દ્વારા સીન નદી પર એક સાંસ્કૃતિક બોટ રાઇડનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. એફિલ ટાવરના કર્મચારીઓના જણાવ્યા અનુસાર, પ્રતિનિધિમંડળના પ્રવાસ દરમિયાન કેટલીક મહિલા કર્મચારીઓને તેમની નિયુક્ત જગ્યાઓ પરથી હટી જવા માટે કહેવામાં આવ્યું હતું (Eiffel Tower BAPS controversy) અને કેટલાક સ્થળોએ તેમની જગ્યાએ પુરુષ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત, કેટલીક મહિલા કર્મચારીઓને એવા વિસ્તારોમાં જવાની પણ મનાઈ કરવામાં આવી હતી જ્યાં BAPS પ્રતિનિધિમંડળ હાજર હતું. એફિલ ટાવરનું સંચાલન કરતી કંપની SETE એ આ બાબતની પુષ્ટિ કરી છે અને કંપનીએ જણાવ્યું હતું કે પ્રતિનિધિમંડળ તરફથી એવી વ્યવસ્થા કરવાની વિનંતી કરવામાં આવી હતી જેથી મહિલાઓ સાથેની વાટાઘાટો અને મુલાકાત ઓછી થાય. SETE એ જણાવ્યું કે મહિલા કર્મચારીઓને આ પ્રતિનિધિમંડળના સ્વાગત દરમિયાન પોતાને `અદ્રશ્ય` રાખવાના નિર્દેશ આપવામાં આવ્યા હતા. કેટલીક મહિલા સ્ટાફને પોતાની ડ્યુટીની જગ્યા છોડીને બીજી જગ્યાએ જવા માટે કહેવામાં આવ્યું હતું, જ્યારે કેટલીક જગ્યાએ તેમની જગ્યાએ પુરુષ કર્મચારીઓએ કામ કર્યું હતું.
SETE એ સ્વીકાર્યું હતું કે આ પ્રકારની શરતો સ્વીકારવી જોઈતી નહોતી. કંપનીના જણાવ્યા અનુસાર, આ વ્યવસ્થા તેના મૂલ્યો અને ફ્રાન્સમાં મહિલાઓ અને પુરુષોની સમાનતાના સિદ્ધાંતને અનુરૂપ ન હતી. SETE ના અધ્યક્ષ એરિયલ વેઇલે પણ આ વ્યવસ્થાને અસ્વીકાર્ય ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે એફિલ ટાવર ફ્રાન્સના લોકશાહી મૂલ્યો અને સ્ત્રી-પુરુષ સમાનતા પ્રત્યેની પોતાની કટિબદ્ધતા જાળવી રાખશે. પેરિસના મેયર ઇમેન્યુઅલ ગ્રેગોઇરે પણ આ ઘટનાની આકરા શબ્દોમાં ટીકા કરી હતી. તેમણે કહ્યું કે મેનેજમેન્ટ દ્વારા પ્રતિનિધિમંડળની આવી શરતો માનવી સ્વીકારી શકાય નહીં અને તેમણે આ સમગ્ર મામલે તપાસ કરાવવાની વાત કરી છે. નોંધનીય છે કે એફિલ ટાવરની મુલાકાતે દર વર્ષે લગભગ ૭૦ લાખ પ્રવાસીઓ આવે છે.
વિવાદ વધ્યા બાદ BAPS એ આ મામલાને ગંભીરતાથી લેવાની વાત કરી હતી. સંસ્થાના પ્રતિનિધિઓ ફ્રાન્સમાં પેરિસ નજીક નિર્માણ પામેલા એક હિન્દુ મંદિરના ઉદ્ઘાટન સાથે જોડાયેલા કાર્યક્રમોમાં ભાગ લેવા પહોંચ્યા હતા. BAPS એ જણાવ્યું હતું કે પ્રતિનિધિમંડળમાં મોટી સંખ્યામાં લોકો હતા, તેથી એફિલ ટાવરની ટીમ સાથે મળીને સામાન્ય સમય શરૂ થાય તે પહેલા જ આ મુલાકાતની વ્યવસ્થા કરવામાં આવી હતી. સંસ્થાના જણાવ્યા અનુસાર, તેનો હેતુ અન્ય પ્રવાસીઓને પડતી અગવડતા ઘટાડવાનો હતો. BAPS એ સ્પષ્ટ કર્યું કે તેની જાણકારી મુજબ કોઈ પણ વ્યક્તિને એફિલ ટાવરમાં પ્રવેશતા રોકવામાં આવ્યા નહોતા. તેમ છતાં સંસ્થાએ આ સ્થિતિથી કોઈને થયેલી મુશ્કેલી કે દુભાયેલી લાગણી બદલ ક્ષમાયાચના માગી હતી. સંગઠને જણાવ્યું કે તે પરસ્પર સન્માન અને બીજાની સેવા જેવા મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ છે.
આ ઘટનાને લઈને ફ્રાન્સના રાજકીય નેતાઓએ પણ સખત પ્રતિક્રિયા આપી છે. વિવિધ રાજકીય પક્ષોના નેતાઓએ મહિલા કર્મચારીઓ સાથે કરવામાં આવેલા વર્તનની આકરી ટીકા કરી છે. ફ્રાન્સના સમાનતા મંત્રી ઓરોર બર્જે જણાવ્યું હતું કે ફ્રાન્સમાં મહિલાઓને પોતાની જગ્યાએથી ખસી જવા કે ગાયબ થઈ જવા માટે કહી શકાય નહીં. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે કોઈ પણ ધર્મ કે વિચારધારા ફ્રાન્સના કાયદા અને બંધારણથી ઉપર નથી.