ઈલૉન મસ્કે Xને પોતાની જ કંપની xAIને ૩૩ અબજ ડૉલરમાં વેચી નાખ્યું

30 March, 2025 03:38 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

ટેસ્લા અને SpaceXના CEO મસ્કે ટ્વિટરને ૪૪ અબજ ડૉલરમાં ખરીદ્યું હતું. હવે Xને ૩૩ અબજ અમેરિકન ડૉલરમાં વેચી દીધું છે. જોકે xAIના માલિક પણ ઈલૉન મસ્ક જ છે.

ઈલૉન મસ્ક

અમેરિકન ઉદ્યોગપતિ ઈલૉન મસ્કે ૨૦૨૨માં સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્વિટર ખરીદ્યું હતું અને પછી એનું નામ બદલીને X કરી દીધું હતું. હવે ઈલૉન મસ્કે શનિવારે જાહેરાત કરી હતી કે તેમણે ૩૩ અબજ અમેરિકન ડૉલરના ઑલ સ્ટૉક સોદામાં Xને પોતાની xAI કંપનીને વેચી દીધું છે. ટેસ્લા અને SpaceXના CEO મસ્કે ટ્વિટરને ૪૪ અબજ ડૉલરમાં ખરીદ્યું હતું. હવે Xને ૩૩ અબજ અમેરિકન ડૉલરમાં વેચી દીધું છે. જોકે xAIના માલિક પણ ઈલૉન મસ્ક જ છે.

ઈલૉન મસ્કે X પર જાહેરાત કરી હતી કે ‘અમારી આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ કંપની xAIએ ૩૩ બિલ્યન ડૉલરના ઑલ સ્ટૉક ટ્રાન્ઝૅક્શનમાં સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ Xનો સમાવેશ કર્યો છે. આ કૉમ્બિનેશનમાં xAIનું મૂલ્ય ૮૦ બિલ્યન ડૉલર છે અને Xનું મૂલ્ય ૩૩ બિલ્યન ડૉલર છે. આ સોદામાં ૧૨ બિલ્યન ડૉલરનું દેવું સામેલ છે, જેને કારણે Xનું એકંદર વૅલ્યુએશન ૪૫ બિલ્યન ડૉલર થઈ જાય છે.’

ઈલૉન મસ્કે વધુમાં કહ્યું હતું કે ‘બે વર્ષ પહેલાં એની સ્થાપના થઈ ત્યારથી xAI ઝડપથી વિશ્વની ટોચની AI લૅબમાંની એક બની ગઈ છે. જબરદસ્ત સ્પીડ અને સ્કેલ પર મૉડલ્સ અને ડેટા સેન્ટર્સ બનાવવામાં આવી રહ્યાં છે. xAI અને Xનું ભવિષ્ય એકબીજા સાથે જોડાયેલું છે. આજે અમે સત્તાવાર રીતે ડેટા, મૉડલ, ગણતરી, વિતરણ અને ટૅલન્ટને મર્જ કરવા માટે પગલું ભરી રહ્યા છીએ. આ મર્જર xAIની AI ક્ષમતાઓ અને Xના વિશાળ નેટવર્કને જોડીને લાભ લાવશે. મતલબ કે બન્ને કંપનીઓ સાથે મળીને કામ કરશે જેનાથી લોકોને વધુ સારી સુવિધા મળશે. આ કંપની અબજો લોકોને વધુ સારો અને વધુ ઉપયોગી અનુભવ આપશે. ઉપરાંત અમારું મુખ્ય ધ્યેય સત્ય શોધવાનું અને જ્ઞાન વધારવાનું છે.’

elon musk ai artificial intelligence social media twitter stock market international news news world news