ઈલૉન મસ્કને મળશે દરરોજનો ૨૧૦૦ કરોડ રૂપિયાનો પગાર

08 November, 2025 08:36 AM IST  |  California | Gujarati Mid-day Correspondent

કંપનીના ૭૫ ટકા શૅરધારકોએ વાર્ષિક ૧ ટ્રિલ્યન ડૉલરના એટલે કે ૮૩ લાખ કરોડ રૂપિયાના પૅકેજને આપી મંજૂરી

ઈલૉન મસ્ક

ઇલેક્ટ્રિક ગાડીઓ બનાવતી અમેરિકાની કંપની ટેસ્લાના શૅરધારકોએ કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (CEO) ઈલૉન મસ્કના અત્યાર સુધીના સૌથી મોટા ૧ ટ્રિલ્યન ડૉલર (આશરે ૮૩ લાખ કરોડ રૂપિયા)ના પગાર-પૅકેજને કેટલીક શરતો સાથે મંજૂરી આપી છે.

મસ્કના ૧૫ ટકા શૅરને બાદ કરતાં ૭૫ ટકાથી વધુ શૅરધારકોએ આ પૅકેજ માટે સંમતિ આપતાં આ પૅકેજ મસ્કને હવે વિશ્વના પ્રથમ ટ્રિલ્યનેર બનાવી શકે છે. જો આ પગાર-પૅકેજ મંજૂર ન થાય તો મસ્કે કંપની છોડી દેવાની ધમકી આપી હતી.

પે-પૅકેજ મંજૂર થયા પછી મસ્કે શૅરધારકોનો આભાર માન્યો હતો અને સ્ટેજ પર નૃત્ય કર્યું હતું. તેમણે કહ્યું હતું કે આ ટેસ્લા માટે કોઈ નવો અધ્યાય નથી, પરંતુ એક નવું પુસ્તક છે.

ઈલૉન મસ્કનું ટ્રિલ્યન ડૉલર પગાર-પૅકેજ ૨૦૧૮માં તેમને મળેલા ૫૬ બિલ્યન ડૉલરના પગાર પૅકેજ કરતાં લગભગ ૧૬ ગણું વધારે છે. નવું પૅકેજ ૧૦ વર્ષ માટે છે.

આ પૅકેજની ૩ મુખ્ય શરતો

આ ૧ ટ્રિલ્યન ડૉલરનું પગાર પૅકેજ દસવર્ષીય યોજના છે જેમાં મસ્કને ૧૨ તબક્કામાં સ્ટૉક-વિકલ્પો પ્રાપ્ત થશે. સંપૂર્ણ ચુકવણી મેળવવા માટે ચોક્કસ માપદંડો પૂરા કરવા આવશ્યક છે. તેમણે કંપનીની માર્કેટકૅપ અને કાર્યકારી નફામાં પણ વધારો કરવો પડશે

૧. કંપનીનું માર્કેટકૅપ ૮.૫ ટ્રિલ્યન ડૉલર અથવા આશરે ૭૫૦ લાખ કરોડ રૂપિયા સુધી પહોંચાડવું આવશ્યક છે. ટેસ્લાનું વર્તમાન મૂલ્ય ૧.૪૦ ટ્રિલ્યન ડૉલર અથવા આશરે ૧૨૪ લાખ કરોડ રૂપિયા છે. પૅકેજ માટે એમાં ૪૬૬ ટકાની વૃદ્ધિની જરૂર છે, જે સેમી-કન્ડક્ટર કંપની એન્વિડિયાના પાંચ ટ્રિલ્યન ડૉલરના રેકૉર્ડ મૂલ્યને વટાવી જાય છે.

૨. ૧૦ વર્ષમાં બે કરોડ વાહનોનું ઉત્પાદન કરીને વેચવાનું રહેશે. ટેસ્લા દ્વારા છેલ્લાં ૧૨ વર્ષમાં ઉત્પાદિત વાહનોની સંખ્યા કરતાં આ બમણાથી વધુ છે. એના ફુલ્લી સેલ્ફ-ડ્રાઇવિંગ સૉફ્ટવેર માટે એક કરોડ પેઇડ સબ્સ્ક્રિપ્શન્સ પ્રાપ્ત કરવાનાં રહેશે.

૩. ૧૦ લાખ હ્યુમનૉઇડ રોબો વેચવાના રહેશે. એનું ઉત્પાદન ૧૮ મહિનામાં શરૂ થવાની ધારણા છે. ટેસ્લાએ હજી સુધી કોઈ રોબો ડિલિવર કર્યા નથી. રોબો હજી પણ વિકાસ હેઠળ છે અને જો વેચાણ પૂરું ન થાય અને લક્ષ્યો ચૂકી જાય તો મસ્કને શૅર પ્રાપ્ત થશે નહીં. કંપનીના પડકારો છતાં આ પૅકેજને પ્રેરણા તરીકે જોવામાં આવી રહ્યું છે.

પ્રતિ સેકન્ડ ૨.૪૬ લાખ, મિનિટદીઠ ૧.૪૮ કરોડ અને દિવસના ૨૧૦૦ કરોડ રૂપિયાનો પગાર મળશે મસ્કને

ટેસ્લાના શૅરધારકોએ ઈલૉન મસ્કના એક ટ્રિલ્યન ડૉલરના પગાર પૅકેજને મંજૂરી આપી છે. જોકે જરૂરી કરકપાત બાદ તેમને ૮૭૮ બિલ્યન ડૉલર સુધીનો પગાર મળશે. આ આંકડાના આધારે ગણવામાં આવે તો ઈલૉન મસ્કને પ્રતિ સેકન્ડ ૨૭૮૪ ડૉલર (આશરે ૨,૪૬,૮૪૮ રૂપિયા), પ્રતિ મિનિટ ૧,૬૭,૦૦૦ ડૉલર (આશરે ૧.૪૮ કરોડ રૂપિયા) અને પ્રતિ દિવસના ૨૪૦.૫ મિલ્યન ડૉલર (આશરે ૨૧૦૦ કરોડ રૂપિયા)નો પગાર મળશે.

સ્ટૉક અનેક તબક્કામાં આપવામાં આવશે

મસ્કને ૧૨ તબક્કામાં સ્ટૉક મળશે. ટેસ્લાનું મૂલ્યાંકન બે ટ્રિલ્યન ડૉલર સુધી પહોંચશે અને તેઓ બે કરોડ વાહનોની ડિલિવરી કરશે ત્યારે તેમને સ્ટૉકનો પહેલો હપ્તો મળશે. ટેસ્લાનું માર્કેટકૅપ ૩ ટ્રિલ્યન ડૉલર સુધી પહોંચશે અને તેઓ ૧૦ લાખ ‘ઑપ્ટિમસ’ હ્યુમનૉઇડ રોબો ડિલિવર કરશે ત્યારે તેમને બીજો હપ્તો મળશે. જો ટેસ્લા બધા અવરોધોને પાર કરશે તો કંપનીનું બજારમૂલ્ય ૮.૫ ટ્રિલ્યન ડૉલર થશે અને મસ્ક કંપનીના લગભગ એકચતુર્થાંશ શૅર ધરાવશે.

મસ્કનું હોલ્ડિંગ વધીને ૨૯ ટકા થઈ શકે

મસ્ક પહેલેથી જ વિશ્વની સૌથી ધનિક વ્યક્તિ છે અને આ પગાર-પૅકેજ બાદ ટેસ્લામાં તેમનું હોલ્ડિંગ ૧૫ ટકાથી વધીને ૨૯ ટકા થઈ શકે છે. 

કંપની હવે રોબોટૅક્સી અને હ્યુમનૉઇડ રોબો પર ધ્યાન આપશે

ટેસ્લા હવે ઇલેક્ટ્રિક વ્હીકલ્સ (EVs) કરતાં સેલ્ફ-ડ્રાઇવિંગ કાર, રોબોટૅક્સી અને હ્યુમનૉઇડ રોબો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. મસ્કે શૅરહોલ્ડરોની મીટિંગમાં જણાવ્યું હતું કે ‘કાર કરતાં રોબો વધુ મહત્ત્વપૂર્ણ છે. આ સૌથી મોટું ઉત્પાદન હશે, સેલફોન કરતાં પણ મોટું. દરેક વ્યક્તિ પોતાનો વ્યક્તિગત રોબો ઇચ્છશે.’

ઑપ્ટિમસ એ ટેસ્લાનો હ્યુમનૉઇડ રોબો છે જેની જાહેરાત ૨૦૨૧માં કરવામાં આવી હતી અને ૨૦૨૨માં પ્રથમ પ્રોટોટાઇપ દર્શાવવામાં આવ્યું હતું. એનો હેતુ ફૅક્ટરીનું કામ, ઘરકામ અથવા એવાં કામો કરવાનો છે જે માણસો કરવા માગતા નથી. ટેસ્લાનું ધ્યાન હવે રોબો અને ઑટોનોમસ કાર પર છે.

elon musk tesla international news world news news united states of america