✕

ફ્રાન્સથી શરૂ થયેલા વિદ્યાર્થી આંદોલનની આગમાં આખું યુરોપ દાઝ્યું

10 October, 2026 10:31 AM IST  |  Brussels | Gujarati Mid-day Correspondent

બે‌લ્જિયમ, ઇટલી, ગ્રીસ, આયરલૅન્ડ અને જર્મનીમાં પણ યુવાનો રસ્તા પર

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

ફ્રાન્સથી શરૂ થયેલી વિદ્યાર્થી અસંતોષની લહેર હવે ધીમે-ધીમે આખા યુરોપમાં ફેલાઈ રહી છે. બેલ્જિયમ, ઇટલી, ગ્રીસ, આયરલૅન્ડ અને જર્મની જેવા દેશોમાં પણ વિદ્યાર્થીઓ અને યુવાનો રસ્તા પર ઊતરી આવ્યા છે. વર્ગખંડોની ભીડભાડ, શિક્ષકોની અછત, જર્જરિત સ્કૂલ-બિલ્ડિંગ્સ, વધતી મોંઘવારી અને શિક્ષણ બજેટમાં કાપ જેવા મુદ્દાઓને લઈને યુવાનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

સપ્ટેમ્બરમાં પૅરિસથી શરૂ થયેલા આ આંદોલને ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે જેમાં હજારો સ્કૂલો પ્રભાવિત થઈ છે અને હજારો પ્રદર્શનકારીઓની ધરપકડ પણ થઈ ચૂકી છે. ફ્રાન્સના આ વિરોધ-પ્રદર્શનોથી પ્રેરણા લઈને ઇટલીના રોમ અને ટુરિન શહેરોમાં પણ વિદ્યાર્થીઓએ સ્કૂલો પર કબજો જમાવ્યો હતો. બેલ્જિયમના લિએજ શહેરમાં પણ વિરોધ-પ્રદર્શનો ચાલુ છે જેમાં પોલીસ સાથે થયેલી અથડામણમાં ધરપકડો થઈ હતી.

ગ્રીસ અને જર્મનીમાં પણ વિદ્યાર્થીઓ અને યુનિયન દ્વારા વધુ રોકાણ અને સારા શૈક્ષણિક માળખા માટે માગણીઓ કરવામાં આવી રહી છે. ઑસ્ટ્રિયામાં યુનિવર્સિટી બજેટમાં કાપ સામે દેખાવોની તૈયારીઓ ચાલી રહી છે. યુરોપના જુદા-જુદા દેશોમાં સ્થાનિક પરિસ્થિતિઓ અલગ છે, પરંતુ શિક્ષણ પ્રત્યે સરકારોની ઉદાસીનતા અને ભંડોળની અછત સામેનો આ રોષ સમગ્ર યુરોપમાં સામાન્ય બની ગયો છે જેનાથી ભવિષ્યની ચિંતાઓ વધી છે. 

Education france belgium italy ireland germany greece international news world news news