07 June, 2025 01:39 PM IST | Sydney | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ઑસ્ટ્રેલિયાના શહેર સિડનીના નૉર્થ-વેસ્ટમાં આવેલા ઑકવિલમાં ૨૦૨૭માં હિન્દુ સ્કૂલ ખૂલવાની છે. આ હિન્દુ સનાતન સ્કૂલમાં ૨૦૨૭માં પ્રથમ બૅચ શરૂ કરવાનું લક્ષ્ય છે. એમાં કિન્ડરગાર્ટનથી ધોરણ ૧૨ સુધીના વર્ગો હશે અને અધિકારીઓ ૧૦૦૦થી વધુ સ્ટુડન્ટ્સને ભણાવવાની યોજના ધરાવે છે.
આ સંદર્ભમાં ઑસ્ટ્રેલિયાના શિક્ષણપ્રધાન જેસન ક્લેરે જણાવ્યું હતું કે ઑસ્ટ્રેલિયામાં ભારતીય સમુદાયને પ્રથમ હિન્દુ સ્કૂલ બનાવવામાં મદદ કરવા માટે ૮.૫ મિલ્યન ડૉલર એટલે કે આશરે ૭૩ કરોડ રૂપિયાનું અનુદાન આપવામાં આવશે, આ અનુદાન ઑસ્ટ્રેલિયન હિન્દુ સમુદાયના સપનાને વાસ્તવિકતા બનાવશે.
સિડનીમાં જ્યાં આ સ્કૂલ ખૂલશે ત્યાં ૪૫ ટકા લોકો ભારતીય ઑસ્ટ્રેલિયન છે. સ્કૂલની જમીન ભંડોળ ઊભું કરીને ખરીદવામાં આવી હતી. હિન્દુ એજ્યુકેશન ઍન્ડ કલ્ચરલ સેન્ટર (HEACC) સ્કૂલનું સંચાલન કરશે. સ્કૂલમાં ન્યુ સાઉથ વેલ્સ (NSW) પ્રાંતના અભ્યાસક્રમ ઉપરાંત ધાર્મિક શિક્ષણ આપવામાં આવશે. સ્ટુડન્ટ્સ પાસેથી કેટલી ફી લેવામાં આવશે એ નક્કી નથી, પણ એ વાર્ષિક ૧૦,૦૦૦થી ૧૫,૦૦૦ ડૉલર વચ્ચે હોવાનો અંદાજ છે.