વિરોધ-પ્રદર્શનોથી નેપાલના હોટેલ ઉદ્યોગને આશરે પચીસ અબજનું નુકસાન

13 September, 2025 10:53 AM IST  |  Kathmandu | Gujarati Mid-day Correspondent

વ્યાપક હિંસા અને તોડફોડથી GDPમાં સાત ટકા હિસ્સો ધરાવતા ટૂરિઝમને ભારે ફટકો

નેપાલની વ્યાપક હિંસામાં અનેક હોટેલોને ભારે નુકસાન થયું હતું. વૈભવી હિલ્ટન હોટેલ તો સંપૂર્ણ રીતે બળીને ખાખ થઈ ગઈ હતી.

નેપાલમાં જેન-ઝીના નેતૃત્વ હેઠળ સરકારવિરોધી પ્રદર્શનોમાં દેશમાં લગભગ બે ડઝન હોટેલોમાં તોડફોડ, લૂંટ અથવા આગ લગાડવામાં આવી હતી. આ પ્રદર્શનમાં નેપાલના હોટેલ ઉદ્યોગને પચીસ અબજ રૂપિયાથી વધુનું નુકસાન થયું હોવાનો દાવો નેપાલના હોટેલ અસોસિએશને કર્યો છે.

હોટેલ અસોસિએશન નેપાલ (HAN) દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં જણાવાયું છે કે કાઠમાંડુમાં હિલ્ટન હોટેલ સૌથી વધુ પ્રભાવિત થઈ છે, જેમાં ૮ અબજ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે. ઘણી અસરગ્રસ્ત હોટેલો સમારકામ અને પુનર્નિર્માણ વિના ફરી શરૂ કરી શકાશે નહીં, જેને કારણે ૨૦૦૦થી વધુ કામદારોની નોકરીઓ પર પણ તલવાર લટકી રહી છે.

અસોસિએશને ચિંતા વ્યક્ત કરી હતી કે આ વિનાશથી હોટેલો માટે બૅન્કો અને અન્ય સંસ્થાઓ પ્રત્યેની લોન સહિતની નાણાકીય જવાબદારીઓ પૂરી કરવી મુશ્કેલ બનશે. તેમણે ઘટનાઓની તપાસ કરવા, ગુનેગારોને સજા અપાવવા અને અસરગ્રસ્ત વ્યવસાયો માટે વળતરની જાહેરાત કરવા માટે જુડિશ્યલ કમિટીની માગણી કરી હતી.

અસોસિએશને સમારકામ અને પુનર્નિર્માણને ટેકો આપવા માટે આર્થિક રાહત પૅકેજ રજૂ કરવા પણ સરકારને વિનંતી કરી હતી. તેમણે ભાર મૂક્યો હતો કે રોકાણકારોનો વિશ્વાસ પુનઃ સ્થાપિત કરવો એ પ્રવાસન વિકાસ અને દેશની આર્થિક સ્થિરતા માટે મહત્ત્વપૂર્ણ છે. પર્યટન નેપાલના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP)માં લગભગ ૭ ટકા હિસ્સો ધરાવે છે અને એ વિદેશી વિનિમયનો મુખ્ય સ્રોત છે.

nepal international news world news news