✕

માત્ર ૩ મહિનામાં ભારતની ૫૮૭૬ કરોડ રૂપિયાની ચીજવસ્તુઓ પાકિસ્તાન પહોંચી

29 October, 2026 10:49 AM IST  |  Pakistan | Gujarati Mid-day Correspondent

બન્ને દેશો વચ્ચે વેપાર પર પ્રતિબંધ હોવા છતાં થર્ડ કન્ટ્રી મારફત પાકિસ્તાનમાં ભારતીય સામાનની આયાતમાં ૬૯ ટકાનો વધારો

પ્રતીકાત્મક તસવીર

સત્તાવાર પ્રતિબંધ હોવા છતાં પાકિસ્તાનમાં ભારતીય માલની આ આયાત સાબિત કરે છે કે પાકિસ્તાની બજારની મૂળભૂત જરૂરિયાતો અને દવાઓ જેવી મહત્ત્વપૂર્ણ ચીજવસ્તુઓ માટે હજુ પણ એને ભારતીય ઉત્પાદનો પર નિર્ભર રહેવું પડે છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચેનો સીધો વેપાર સત્તાવાર રીતે સ્થગિત છે, પણ પાકિસ્તાનની સેન્ટ્રલ બૅન્કના ડેટા અનુસાર નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતમાંથી પાકિસ્તાનની આયાતમાં ૬૯ ટકાનો જંગી વધારો થયો છે. આ સમયગાળા દરમ્યાન પાકિસ્તાને આશરે પ૮૭૬ કરોડ રૂપિયાની કિંમતની ચીજવસ્તુઓની આયાત કરી હતી. એનાથી વિપરીત પાકિસ્તાને ભારતમાં એક પણ વસ્તુ નિકાસ કરી નથી. ઑપરેશન સિંદૂર અને દ્વિપક્ષીય વેપાર પરના પ્રતિબંધો પછી વધેલા તનાવની પૃષ્ઠભૂમિ સામે આ આંકડા આશ્ચર્યજનક લાગે છે.
ભારતે ૨૦૨૫ની બે મેથી પાકિસ્તાનમાં ઉદ્ભવતા અથવા નિકાસ થતા માલની સીધી અથવા પરોક્ષ આયાત અને પરિવહન પર પ્રતિબંધ મૂક્યો હતો. પાકિસ્તાને ભારત સાથે વેપાર પણ સ્થગિત કરી દીધો હતો. જોકે કેટલીક ફાર્માસ્યુટિકલ આયાત ખાસ પરવાનગીઓ હેઠળ ચાલુ રહી છે.
નિષ્ણાતો અને ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવ (GTRI)ના મતે પાકિસ્તાનમાં ભારતીય ઉત્પાદનો પૈકી દવાઓ, ફાર્માસ્યુટિકલ કાચો માલ, રસાયણો, પ્લાસ્ટિક અને કૃષિસાધનોની વધારે માગણી છે. આ માગણીને પહોંચી વળવા માટે ગ્રે-ઝોન સ્ટ્રૅટેજીનો 
ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જેમાં નિકાસ થર્ડ કન્ટ્રીમાંથી થાય છે. ભારતીય માલ સીધો પાકિસ્તાન જવાને બદલે દુબઈ, સિંગાપોર અથવા શ્રીલંકા જેવા દેશોના બંદરો પર મોકલવામાં આવે છે. આ ટ્રાન્ઝિટ હબ પર માલને બૉન્ડેડ વેરહાઉસમાં સંગ્રહિત કરવામાં આવે છે, જ્યાં દસ્તાવેજો અને પૅકેજિંગ લેબલ બદલીને મૂળ દેશને ભારતને બદલે યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE) અથવા અન્ય દેશ તરીકે દર્શાવવામાં આવે છે. ત્યાર બાદ માલને નવા દેશના નામ હેઠળ પાકિસ્તાન મોકલવામાં આવે છે. આમ પ્રતિબંધોના કાનૂની પ્રતિબંધોથી બચી શકાય છે.

international news world news pakistan indian government