25 September, 2026 02:21 PM IST | Washington | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે વાઇટ હાઉસની ઓવર ઑફિસમાં ડોનલ્ડ ટ્રમ્પ અને શી જિનપિંગ તેમની પત્નીઓ સાથે.
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ગુરુવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ સાથે એક મહત્ત્વની શિખર બેઠક માટે વાઇટ હાઉસ પહોંચ્યા હતા. જિનપિંગે પોતાના શરૂઆતના સંબોધનમાં ભવિષ્યના નિર્માણ માટે સંઘર્ષને બદલે દોડ (સ્પર્ધા) લગાવવા આહ્વાન કર્યું હતું. અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે તેમનું ખૂબ જ ઉષ્માભેર અને ઐતિહાસિક સ્વાગત કર્યું હતું. કડક સુરક્ષાવ્યવસ્થા વચ્ચે વાઇટ હાઉસના ફોયરમાં આયોજિત કાર્યક્રમમાં ચીનના રાષ્ટ્રપતિએ સંબોધન કર્યું હતું જેમાં કેટલાક મહત્વના મુદ્દાઓ ઉઠાવ્યા હતા.
ઍરપોર્ટ પર દુર્લભ સ્વાગત : ૧૧ વર્ષમાં પ્રથમ વખત અમેરિકાના કોઈ રાષ્ટ્રપતિએ ઍરપોર્ટ પર જઈને વિદેશી નેતાનું વ્યક્તિગત સ્વાગત કર્યું હતું. ડોનલ્ડ ટ્રમ્પે પત્ની મેલૅનિયા સાથે જિનપિંગ અને તેમનાં પત્નીને આવકાર્યાં હતાં.
AI પર મહત્ત્વની ચર્ચા : વાઇટ હાઉસમાં ભવ્ય સ્વાગત બાદ બન્ને નેતાઓએ સંઘર્ષ ટાળીને માનવવિકાસ અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ
(AI)ના સુરક્ષિત સંચાલન પર મહત્ત્વની ચર્ચા કરી હતી. ઉપરાંત AI પર માનવીય નિયંત્રણ જળવાઈ રહે એ માટે પણ અમેરિકા સાથે મળીને કામ કરવાની તૈયારી દર્શાવી હતી.
શી જિનપિંગ શું બોલ્યા?
રાષ્ટ્રપતિ ટ્રમ્પના આમંત્રણ પર બન્ને દેશો વચ્ચે મિત્રતા વધારવા અને લોકોની ભલાઈ માટે સહયોગનો વ્યાપ વધારવા અમેરિકા આવ્યો છું.
ચીન અને અમેરિકા બે મોટા દેશ છે અને આપણે શાંતિથી સાથે રહેવું પડશે. જો આપણે સહકાર આપીશું તો બન્નેને ફાયદો થશે, પરંતુ ટકરાવમાં બન્ને પક્ષે મોટું નુકસાન જ થશે.
બન્ને દેશોએ થ્યુસિડાઇડ્સ ટ્રૅપ (એવો સિદ્ધાંત જેમાં ઊભરતી મહાસત્તા અને પ્રસ્થાપિત સત્તા વચ્ચે યુદ્ધ નિશ્ચિત મનાય છે)માં ફસાવાથી બચવું પડશે.
આપણે પ્રતિસ્પર્ધાથી ડરવાની જરૂર નથી પરંતુ એ સ્વસ્થ હોવી જોઈએ. આ એકબીજાથી આગળ નીકળવાની દોડ હોવી જોઈએ, નહીં કે કોઈને હરાવવાની કુસ્તી.
બન્ને દેશોની સેનાઓએ સતત સંવાદ જાળવી રાખવો જોઈએ જેથી કટોકટીના સમયે વાતચીત અને નિયંત્રણની વ્યવસ્થા સુધારી શકાય.