જૂનાગઢથી પાકિસ્તાન ગયેલા આરિફ હબીબ પરિવારે ૪૩૨૦ કરોડમાં ખરીદી લીધી પાકિસ્તાન ઇન્ટરનૅશનલ ઍરલાઇન્સ

25 December, 2025 08:25 AM IST  |  Pakistan | Gujarati Mid-day Correspondent

જૂનાગઢથી પાકિસ્તાન ગયેલા આરિફ હબીબ પરિવારે ૪૩૨૦ કરોડમાં ખરીદી લીધી પાકિસ્તાન ઇન્ટરનૅશનલ ઍરલાઇન્સ

આરિફ હબીબ

સતત ખોટ કરી રહેલી પાકિસ્તાનની સરકારી ઍરલાઇન પાકિસ્તાન ઇન્ટરનૅશનલ ઍરલાઇન્સ (PIA)ની હરાજી કરવામાં આવી હતી અને ગુજરાતના જૂનાગઢથી પાકિસ્તાન શિફ્ટ થયેલા આરિફ હબીબ પરિવારે ૧૩૫ અબજ પાકિસ્તાની રૂપિયા (આશરે ૪૩૨૦ કરોડ રૂપિયા)માં PIAને હસ્તગત કરી છે. ઇસ્લામાબાદમાં યોજાયેલી આ હરાજીને પાકિસ્તાનના ઇતિહાસમાં સૌથી મોટી હરાજી ગણાવવામાં આવી રહી છે.

આરિફ હબીબ એક અગ્રણી પાકિસ્તાની ઉદ્યોગપતિ અને આરિફ હબીબ ગ્રુપના ચૅરમૅન છે. તેમનું જૂથ ખાતર, સિમેન્ટ, સ્ટીલ અને રિયલ એસ્ટેટ સહિત વિવિધ ક્ષેત્રોમાં ફેલાયેલું છે. આરિફ હબીબનો પરિવાર મૂળ ભારતના ગુજરાતના જૂનાગઢ જિલ્લાના બાંટવાનો રહેવાસી હતો અને આ પરિવારનો જૂનાગઢમાં ચાનો વ્યવસાય હતો. ૧૯૪૭માં ભારતના ભાગલા પછી આ પરિવાર પાકિસ્તાનના કરાચી ગયો હતો. ૧૯૫૩માં જન્મેલા આરિફ હબીબે ૧૦મું ધોરણ પૂર્ણ કર્યા પછી ૧૯૭૦માં બ્રોકરેજ વ્યવસાયમાં પ્રવેશ કર્યો અને પોતાની વ્યાવસાયિક સફર શરૂ કર્યા પછી ક્યારેય પાછળ વળીને જોયું નથી. આરિફ હબીબે કરાચી સ્ટૉક એક્સચેન્જમાં સ્ટૉક-બ્રોકર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમની રોકાણ-વ્યૂહરચના અનોખી રહી છે જેમાં તેમણે સરકારી માલિકીની કંપનીઓમાં હિસ્સો ખરીદ્યો હતો. તેમની વ્યક્તિગત સંપત્તિ લગભગ ૫૦૦ મિલ્યન ડૉલર હોવાનો અંદાજ છે. તેઓ પાકિસ્તાનના સૌથી ધનિક વ્યક્તિઓની યાદીમાં ૧૮મા ક્રમે છે. આ જૂથ એનાં સખાવતી કાર્યો માટે પણ જાણીતું છે.

international news world news pakistan junagadh